
અયોધ્યામાં શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠાને ગણતરીના કલાકો બાકી છે. જેના પગલે દેશમાં જ નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઇ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે તમામ કચેરીઓ અને સંસ્થાઓમાં અડધા દિવસની રજા જાહેર કરી હતી. હવે ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ દિવસે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં પણ અડધા દિવસની રજાની જાહેરાત કરી છે.
22 જાન્યુઆરીએ અડધો દિવસ રજા અંગે સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને નિર્દેશ આપ્યા છે. તેમાં લખવામાં આવ્યું છે કે, 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર 22/01/2024 સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ તથા રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. તેથી તમામ સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉપરોક્ત જાહેરનામાનો ચુસ્ત અમલ કરવાની સૂચના અપાય છે.
આ અવસરે રાજ્યમાં સરકારી કર્મચારીઓને અડધો દિવસની રજા રહેશે. આ અંગે એક જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારના જાહેરનામામાં જણાવાયું છે કે, ‘સમગ્ર રાજ્ય અને દેશમાં તારીખ 22-01-2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થવાની છે. રાજ્યના તમામ લોકો આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તા.22-01-2024, સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરના 2:30 સુધી બંધ રહેશે.’










