
વિસાવદર તાલુકાના ઈશ્વરીયા (ગીર) ગામે હેલ્થ કેમ્પના માધ્યમથી ગ્રામજનોએ આરોગ્ય સેવાઓનો મેળવ્યો લાભ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાનાં વિસાવદર તાલુકાનાં ઈશ્વરીયા(ગીર) ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાકીય લાભો અંગે અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મ સૌ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પ લીધા હતા.
ગામનાં સરપંચએ વિકસીત ભારત સંકલ્પ રથયાત્રા દ્વારા લોકજાગૃતિનાં આયામો સમજાવ્યા અને કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર બની તેના લાભો મેળવવા અંત્યોદય પરીવાર સુધી આ લાભ પહોંચે તેની ગ્રામજનોને હિમાયત કરી હતી.
ડ્રોન લાઇવ નિદર્શન અંતર્ગત ખેતરમાં પાક પર ડ્રોનથી દવા છંટકાવ કરી શકાય તે ગ્રામજનોએ સૌએ લાઈવ નિર્દશન નિહાળ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં વાસ્મો યુનિટનાં શૈલેષ પંડીત, સહિત ગ્રામ પંચાયતનાં હોદેદારો, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





