જાગૃત નગરજનો હવે cVIGIL એપ દ્વારા પણ આચારસંહિતા ભંગની ઓનલાઈન ફરિયાદ કરી શકશે
જાગૃત નગરજનો હવે cVIGIL એપ દ્વારા પણ આચારસંહિતા ભંગની ઓનલાઈન ફરિયાદ કરી શકશે
તાહિર મેમણ : આણંદ – 20/03/2024- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે આણંદ જિલ્લાના નાગરિકો પણ જિલ્લામાં આચારસંહિતાનો અસરકારક અમલ થાય તે માટે જાગૃત બની આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે. આ માટે તેમણે ફરિયાદ માટે ક્યાંય જવાની જરૂર નથી. હવે તેઓ માત્ર એમની આંગળીના ટેરવે મોબાઈલના માધ્યમથી cVIGIL એપ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરી શકે છે.
કલેકટર કચેરીના ત્રીજા માળ ખાતે કાર્યરત જિલ્લા કક્ષાના સેલમાં કાર્યરત ૩ ટીમ દ્વારા cVIGIL એપનું સતત ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાઉન્ડ ધ ક્લોક ૨૪ × ૭ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. આજદિન સુધીમાં આ એપ ઉપર જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા કુલ ૦૯ જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જે તમામ ફરિયાદોનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.
આ cVIGIL એપ ની વાત કરીએ તો ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ એપ play store ઉપરથી પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની હોય છે. ત્યારબાદ કોઈપણ નાગરિક ચૂંટણી આચારસંહિતાનો ભંગ થતો હોય તેનો લાઈવ ફોટો પાડીને તે સીધા એપ દ્વારા મોકલી શકે છે. આ ઉપરાંત આ એપ દ્વારા અરજદાર ઓડિયો અથવા વિડિયો રેકોર્ડિંગ પણ મોકલી શકે છે. અરજદાર દ્વારા મોકલવામાં આવેલ આ ફરિયાદ તરત જ જિલ્લા કક્ષાના સેલમાં ફરજ પરના કર્મચારીના કોમ્પ્યુટરમાં ડીસ્પ્લે થાય છે. આ ફરિયાદ ૧૦૦ મિનિટની અંદર નિકાલ કરવાનો હોય છે, જેથી ફરજ પરના કર્મચારી દ્વારા તાત્કાલિક આ ફરિયાદ સબંધિત એફ.એસ.ટી. ની ટીમને મોકલી આપવામાં આવે છે. એફ.એસ.ટી. ની ટીમ આ લાઈવ લોકેશનના આધારે તાત્કાલિક ત્યાં પહોંચે છે અને આચારસંહિતા ભંગનો મોકલેલ ફોટોગ્રાફ્સ અંગે જરૂરી તપાસ કરી તેનો નિકાલ કરી સબંધિત મત વિસ્તારના અધિકારીને જાણ કરે છે, તેને ધ્યાને લઈ અધિકારી આ ફરિયાદનો ઓનલાઈન નિકાલ કરે છે.