
તા.૩૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ભગવાન શ્રીકૃષ્ણના મુખારવિંદ તેમજ પરીની કલાત્મક કૃતિનું સર્જન કરતાં શિલ્પકારશ્રી જોગેન્દ્રભાઈ પાલ
Rajkot: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા સંચાલિત વોટસન મ્યુઝિયમ, રાજકોટ દ્વારા અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણી અંતર્ગત માટી કલાના પ્રત્યક્ષ નિર્દશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિલ્પકારશ્રી જોગેન્દ્રભાઈ પાલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના સુંદર મુખારવિંદ તેમજ પરીની માટીની કલાત્મક કૃતિનું સર્જન કરાયું હતું.


વોટસન મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજે જણાવ્યું હતું કે માટી કલાએ આપણી પ્રાચીન કલા છે. આધુનિક યુગમાં માટી કલાના માધ્યમથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી શકાય છે. ગુજરાત સરકાર હસ્તકલા પ્રવૃતિને ઉત્તેજન મળે, તે માટે પ્રયાસશીલ છે. ત્યારે લોકોને કલા પ્રવૃત્તિમાં રસ ઉત્પન્ન થાય તેમજ સંસ્કૃતિના વારસારુપ નમુનાઓના સંરક્ષણ પ્રત્યે જનજાગૃતિ કેળવાય, એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ તકે ક્યુરેટરશ્રીએ શિલ્પકારશ્રી જોગેન્દ્રભાઈ પાલનું પુસ્તક આપીને અભિવાદન કર્યુ હતું. આ તકે વિદ્યાર્થીનીઓ સહિત કલાપ્રેમી જનતાએ માટીકલા નિર્દશનનો લ્હાવો લીધો હતો.









