
સૌથી વધુ ભૂકંપ સંભવિત ઝોન નં.૫માં આવતા કચ્છના ખાવડા પંથક ૪.૨ની તીવ્રતાના ભૂકંપથી ખળભળી ઉઠયો હતો. ખાવડા પંથકમાં લાંબા સમય બાદ આટલી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય રીતે કચ્છમાં કેએમએફ કહેવાતી ફોલ્ટલાઈન સક્રિય હોય જમીનમાં ઉંડાઈએ ભૂકંપના તીવ્ર આંચકા સામાન્ય રીતે આવતા હોય છે પરંતુ, આ ભૂકંપ ઉપરી સપાટીએ નોંધાયો છે.
સીસ્મોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટીટયુટમાં મધરાત્રે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ૨૪.૧૯૧ અક્ષાંસ અને ૬૯.૭૯૨ રેખાંશ પર ભારત-પાકિસ્તાન સરહદ નજીક ,ખાવડાથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ ધ્રોબાણાથી આગળ જતા ભેડીયાબેટ હનુમાન મંદિર પાસે, કચ્છના રણમાં આવેલા તળાવ નજીક નોંધાયેલ છે.
ખાવડા પંથકમાં આ પહેલા ગત તા.૯ મેના ૨.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે કચ્છમાં આ પહેલા દુધઈ વિસ્તારમાં તા.૩૦ જાન્યુઆરીએ આટલી જ તીવ્રતા ૪.૨નો ભૂકંપ નોંધાયો હતો. જો કે તે ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ૨૫.૫ કિ.મી. ઉંડાઈએ હતું ત્યારે આજના ભૂકંપનું કેન્દ્રબિંદુ માત્ર ૧૩૦૦ મીટર (૧.૩ કિ.મી.) ઉંડાઈએ નોંધાયું છે.








