
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ સતત તાપમાનમાં વધારો થવાને કારણે ડાંગ જિલ્લા વાસીઓએ ગરમીથી હેરાન પરેશાન થવુ પડી રહ્યુ છે.જોકે આજરોજ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થતા લોકોએ થોડા અંશે ગરમીથી રાહત મેળવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 44 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાયુ હતુ.જ્યારે સાપુતારા ખાતે 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાતા પ્રવાસીઓ પણ ત્રસ્ત બન્યા હતા. દિવસેને દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે.ડાંગ જિલ્લામાં મહત્તમ 37 થી 38 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાતુ હતુ. પરંતુ ચાલુ વર્ષે ગરમીએ માઝા મુકતા હાલમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્શિયસ પર પોહચી ગયો હતો.ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટનાં પગલે રોજેરોજ જનજીવન સહિત પશુ,પંખી અને જંગલી પ્રાણીઓ ત્રસ્ત બની રહ્યા છે.બુધવારે ડાંગ જિલ્લાનાં સાપુતારા અને શામગહાન પંથકમાં 40 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાતા ફરવા આવેલ પ્રવાસીઓ પણ અકળાયા હતા.સાપુતારા સહિત ટેન્ટ રિસોર્ટમાં ફરવા આવેલ પ્રવાસીઓએ બપોરનાં અરસામાં કુલિંગ રૂમોમાં જ આરામ ફરમાવ્યો હતો.જ્યારે વઘઇ પંથકમાં 43 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોધાયુ હતુ.સૌથી વધુ આહવા અને સુબિર પંથકમાં 44 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોધાયુ હતુ.જોકે ગુરુવારનાં રોજ ગરમીથી આંશિક રાહત મળી હતી. જેમાં ડાંગ જિલ્લામાં વઘઈ આહવા અને સુબીર ખાતે 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.જ્યારે સાપુતારા ખાતે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ.ત્યારે ગત બુધવાર કરતા ગુરુવારે તાપમાનમાં ઘટાડો થતા ડાંગ જિલ્લાવાસીઓએ થોડા અંશે રાહતનો શ્વાસ લીધો હતો.તેમજ ગરમીથી બચવા માટે દિવસ દરમ્યાન ઠંડુ પાણી અથવા શરબત જેવા પીણા પી રાહત મેળવી રહ્યા છે..





