ગરવા ગિરનારની ગોદમાં ગુજરાતીના અધ્યાપક સંઘનું ૭૩મુ વાર્ષિક અધિવેશન યોજાશે

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં તા.૨૪-૨૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ગુજરાતીના અધ્યાપક સંઘનું ૭૩મુ વાર્ષિક અધિવેશન પ્રમુખ રમેશ મહેતાની અધ્ય્ક્ષતામાં રૂપાયતન ખાતે યોજાનાર છે.
આ ૭૩માં વાર્ષિક અધિવેશનનું ઉદ્ઘાટન ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના હસ્તે કરવામાં આવશે.
આ અવસરે હેમંતભાઈ નાણાવટી અને ડો.સુભાષ યુનિવર્સીટીના પ્રમુખ રાજ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
આ બે દિવસીય અધિવેશનમાં ગુજરાતભરના ગુજરાતી વિષયના અધ્યાપકો હાજર રહેનાર છે. અને આ અધ્યાપકો ગરવી ગુજરાતી ભાષાનું મનન ચિંતન કરશે અને કેટલુક નવનીત તારવી ગુજરાતી ભાષાને હજુ વધુ ઉંચાઈએ લઇ જવા માટે તથા ગુજરાતી ભાષાના કેટલાક પ્રશ્નોનો ઉકેલ શોધવાનું મનોમંથન કરશે, આ અવસરે પ્રમુખ રમેશ મહેતા પોતાના પ્રમુખીય વક્તવ્યમાં આજની ગુજરાતી ભાષાની પરિસ્થિતિ અને જરૂરિયાતો પર વાત મુકશે.
આ અધિવેશનમાં પહેલી બેઠકનું સંચાલન દીપક પટેલ કરશે જેમાં ભાવેશ વાળા, બિપિન બારૈયા, સુરેશ શિંગાળા અને મનીષા ચાવડા જુદી જુદી કૃતિ પર પોતાના વિચારો વિદ્વતજન સમક્ષ મુકશે અને તેની ચર્ચા વિચારણા થશે.
બીજી બેઠક વિવેચન સમીક્ષાનું સંચાલન સુનીલ જાદવ કરશે,જેમાં અનિરુધ્ધસિંહ ગોહિલ, પ્રવીણ કુકડીયા અને સંજય ચોટલિયા ભાગ લેશે, પ્રથમ દિવસની રાત્રીએ જાણીતા ભજન મર્મજ્ઞ ડો.નિરંજન રાજ્યગુરુ સંતવાણીના સુર રેલાવશે.
બીજા દિવસની પ્રથમ બેઠકનું સંચાલન વર્ષા પ્રજાપતિ કરશે, જેમાં નરેશ વેદ, હસમુખ વ્યાસ અને મનોજ રાવલ સંતવાણી વિશે વિમર્શ કરશે.
અધિવેશનની આખરી બેઠકમાં સામાન્ય સભા અને સમાપન યોજાશે.
જેનું સંચાલન અજયસિંહ ચૌહાણ કરશે, સાંસ્કૃતિક સમન્વય ઝંખતા રૂપાયતન પરિસરમાં યોજાનારા અધિવેશનના યજમાન તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી અને ડો.સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ છે.આ અધિવેશન અંગે કોલેજ આચાર્ય અને સ્થાનિક મંત્રી ડો.બલરામ ચાવડા અને અન્ય લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.આ અધિવેશનનું નિમંત્રણ ગુજરાતી અધ્યાપક સંઘના હાલના પ્રમુખ ગુણવંત વ્યાસે પાઠવ્યું છે.