
ગોજારીયા ખાતે યોજાયેલ આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ -AGAS નું 22મું અધિવેશન ગૌરવપૂર્ણ રીતે સંપન્ન થયું

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
શનિવાર રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયાના યજમાનપદે આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘનું ૨૨મું અધિવેશન ગરિમાપૂર્ણ રીતે યોજાઈ ગયું. અધિવેશનમાં 70 જેટલા અધ્યાપકો ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા.ગોઝારિયા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.પટેલના અધ્યક્ષપદે અધિવેશનની ઉદ્ઘાટન બેઠક યોજાઈ હતી. ઉદ્ઘાટક પરમ પૂજ્ય શ્રી યોગીરાજ રૂખડનાથજી, મુખ્ય મહેમાન ડૉ .માણેકલાલ પટેલ ‘ સેતુ’ , અતિથિવિશેષ શૈલેષભાઈ પટેલ અને અશોકભાઈ પટેલ,
અગાસના પ્રમુખ પ્રિ. ડૉ. નરેશભાઈ પટેલ, સંશોધક,
લોકસાહિત્યવિદ અને વિવેચક ડૉ. બળવંત જાની, કૉલેજના કા.આચાર્યશ્રી ડૉ.રાજેન્દ્રસિંહ વાઘેલા,ઉપપ્રમુખ આરતીબેન પટેલ, ગણપત સોઢા પરમાર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. અગાસના મંત્રી યશોધર હ. રાવલે સંઘની વિવિધ
વિદ્યાકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. આ બેઠકમાં ડૉ. બળવંત જાનીના હસ્તે, અગાસના અધ્યાપકોના અભ્યાસલેખોના પુસ્તક ‘સંવિદ-૬’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેઠકનું સંચાલન ગોઝારિયા કોલેજના અધ્યાપક ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કર્યું હતું. પ્રથમ બેઠકમાં અગાસના પ્રમુખ નરેશભાઈએ પટેલે ‘ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦માં ભારતીયતા ‘ વિશે રસપ્રદ પ્રમુખીય વ્યાખ્યાન આપ્યું હતું.આ બેઠકનું સંચાલન અગાસના ખજાનચી ડૉ.યોગેશચંદ્ર પટેલે કર્યું હતું.બીજી બેઠકમાં ગુજરાતના જાણીતા સંશોધક, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યના ઊંડા અભ્યાસી ડૉ. બળવંત જાનીએ ‘ મારી સંશોધનયાત્રા ‘ વિશે લાક્ષણિક શૈલીમાં તેમની કેફિયત રજૂ કરીને સહુને રસતરબોળ કર્યા હતા. ડૉ. બળવંત જાનીએ એક કલાક સુધી મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ચારણી સાહિત્યની ઉદાહરણો સાથે વાત માંડીને તેમની સંશોધનયાત્રાનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. આ બેઠકનું સંચાલન અગાસના મંત્રી ડૉ.સતીશ પટેલે કર્યું હતું અધિવેશન દરમિયાન ‘અર્ધ્ય’ ની ત્રીજી બેઠકમાં પાંચ અધ્યાપકોએ છેલ્લાં બે વર્ષમાં પ્રકાશિત થયેલાં કવિતા, નિબંધ, નાટક, નવલકથા અને ટૂંકી વાર્તાસ્વરૂપનાં પુસ્તકો પર તેમનો સ્વાધ્યાય રજૂ કર્યો હતો . ૧. ‘નિબંધવિશેષ ‘ (કાકા કાલેલકર) પર ડૉ .મહેશ પટેલે , ‘ ખડિયાની આરપાર ‘( નીરવ વ્યાસ ) વિશે ડૉ. પીયૂષ ચાવડાએ, ‘ભીનું ભીનું વાદળ’ (ગિરિમા ઘારેખાન) વિશે જાગૃતિ પટેલે , ‘છેલ્લું યુદ્ધ’ ( માવજી મહેશ્વરી) વિશે ડૉ. દિલીપ ધોરિયાએ અને ‘મન મગન હુઆ’ (સતીશ વ્યાસ) વિશે ડૉ. દેવેન્દ્ર ગોસ્વામીએ પોતાની વાત સરસ રીતે મૂકી હતી. બેઠકનું સંચાલન અગાસના મંત્રી ડૉ. સતીશ પટેલ અને ડૉ. પ્રવીણ વાઘેલાએ કર્યું હતું. ત્યારબાદ ,સન્માન અને
સ્મૃતિચિહ્ન અર્પણની બેઠકમાં નિવૃત્ત થયેલા, વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનારા, પીએચ.ડી. થયેલા, પીએચ.ડી. માર્ગદર્શક બનેલા, નવી નિમણૂક પામેલા અધ્યાપકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ બી.એ. અને એમ.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલી રિંકલ નાઈ અને નયના ચૌધરીને સ્મૃતિચિહ્ન સાથે ‘ડૉ. યશોધર હ. રાવલ પુરસ્કાર’ રૂપે દરેકને રૂ. 2500/- આપીને પુરસ્કૃત કરવામાં આવી હતી.
ગોઝારિયા કોલેજના આચાર્ય ડો. રાજેન્દ્રસિંહ વાઘેલા , પ્રો. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોલેજ પરિવારે અધિવેશનનું ખૂબ સુંદર આયોજન કર્યું હતું.





