ફોટોશૂટ કરવાના બહાને કાપડના વેપારીએ મહિલા પર અનેકવાર આચર્યું દુષ્કર્મ
લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી

સુરતના ઘોડ દોડ રોડ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી દ્વારા માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. મહિલા અને વેપારી વર્ષ 2017માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં માર્કેટના ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ અલઠાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો.
સુરતના અલઠાણ પોલીસ ચોપડે મહિલાના શારીરિક શોષણની ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર મહિલાએ અલઠાણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2017માં તે સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેષ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેને ઓફર કરી હતી. બાદમાં ફોટોશૂટ દરમ્યાન બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી.
ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટેલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું. ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી.
આ ઉપરાંત તે મહિલાના ઘરે જઇ જાનથી મારી નાખવાની ધમકી આપી સબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલઠાણ પોલીસ દ્વારા વેપારી મિતેષ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા.