જળસંચય, સોલર રૂફ ટોપ યોજના અને વૃક્ષારોપણ ના ત્રિવેણી સમન્વય થકી પર્યાવરણની જાળવણી નો અનોખો પ્રયાસ કરતું તખતગઢ ગામ


જળસંચય, સોલર રૂફ ટોપ યોજના અને વૃક્ષારોપણ ના ત્રિવેણી સમન્વય થકી પર્યાવરણની જાળવણી નો અનોખો પ્રયાસ કરતું તખતગઢ ગામ
*******
ગામમા ૭૫% થી વધુ ઘર ઉપર સોલર રૂફટોપ યોજના કાર્યાંવિત
*********
ત્રણ વર્ષ અગાઉ વાવેલા વૃક્ષોનું આજે નાનકડું જંગલ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે
**********
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના તખતગઢ ગામને ઓળખની જરૂર નથી. તખતગઢ ગામમાં જળસંચય અને પર્યાવરણ બચાવ માટે અનેકવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે જેમાં ગામમાં ઘરે-ઘરે રૂફ ટોપ સોલર પ્લાન્ટ અને પાણીના મીટર, ખેતરમાં જળસંચય માટે ખેત તલાવડી, આડબંધ, કુવાઓ તેમજ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિથી કરીને પાણીના બચાવ અને પર્યાવરણ બચાવવા માટે ગામના દરેક નાગરિક જાગૃત બની કામ કરી રહ્યો છે.
ગામના યુવા સરપંચ શ્રી નિશાંતભાઈ પટેલ જણાવે છે કે, હાલમાં સરકાર દ્વારા જળસંચય અને પર્યાવરણ બચાવ માટે અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આ યોજનાઓ થકી પર્યાવરણના બચાવવા તેમજ આવનાર ભવિષ્યમાં પાણીની સમસ્યા ના ઉદભવે તે માટે જળસંચય ખૂબ જ જરૂરી બન્યું છે.
વધુમાં તેઓ ઉમેરે છે કે, આપણા વડાપ્રધાન શ્રી દ્રારા મન કી બાત ના ૯૯ માં એપિસોડમાં પુન: પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તે પ્રમાણે અમારા ગામમાં દરેક ઘરે સોલાર રૂફ ટોપ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગામમાં ૭૫% થી વધુ ઘર આ યોજના કાર્યાંવિત થઈ છે અને ટૂંક સમયમાં સમગ્ર ગામમાં સોલાર રૂફ ટોપ લાગી જશે.
જળસંચ
ય માટે ગામના દરેક ઘરે પાણીના મીટર છે, ખેડૂતો માટે પાણી અનિવાર્ય છે. ગામના દરેક ખેતરમાં જળસંચય માટે ખેત તલાવડીઓ, આડબંધ કે કુવાઓ બનાવ્યા છે. જેથી ખેતરનું પાણી ખેતરમાં જ રહે. તેમજ ખેતી ટપક સિંચાઈ પદ્ધતિથી કરીને પાણીનો બચાવ કરવામાં આવે છે.
ગામની ગૌચર જમીનમાં જાપાની ટેકનીક મિયાવાકી પદ્ધતિ થકી ત્રણ વર્ષ અગાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલમાં આ નાનકડું જંગલ તૈયાર થઈ ગયું છે. જેમાં ૧૦૦૦ થી વધુ વૃક્ષો છે. જેમાં આંબા, લીમડા, ગુલમહોર, સરગવા, લીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. જ્યાં પક્ષીઓની કલરવ ગુંજી રહ્યો છે. અહીં ગ્રામ વિકાસ એજન્સી થકી મનરેગા હેઠળ આ નાનકડા જંગલનું ધ્યાન રાખવા માણસ પણ રોકવામાં આવ્યો છે. જેથી વાવેલા વૃક્ષોની માવજત થાય તેમજ સમય તેને પાણી આપી સારામાં સારો ઉછેર થઇ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિને ગુજરાત સરકારે નવું નામ આપી વન કવચ કર્યું છે. આ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં નવા ચાર વન કવચ ઉભા કરવામાં આવશે. આ પધ્ધતિમાં ઓછી જગ્યામાં પણ વધુ વૃક્ષો ઉગાડવામાં આવે છે. જેમાં જમીન વાતાવરણને અનુકૂળ જુદા-જુદા પ્રકારના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. આ પધ્ધતિથી વૃક્ષોનો વિકાસ ઝડપી થાય છે. આ પદ્ધતિથી શહેર અને ગામડાઓની ફરતે ઓછા સમયમાં ઘાઢ જંગલોનું નિર્માણ શક્ય બનશે. તેમજ વાતાવરણમાં ગરમીના પ્રમાણમાં ચાર થી પાંચ ડિગ્રિ સુધીનો ફરક પડે છે.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા



