

ઇડરના ઓડા ગામે ભર શિયાળે પાણી ન આવતા ગ્રામજનોમાં રોષ
મહિલાઓની ટીડીઓ સમક્ષ ધરણા કરવાની ચીમકી :
છ – સાત દિવસથી પાણી મળ્યું નથી : સરપંચ
વાત્સલ્ય ન્યૂઝ ઈડર જયંતિ પરમાર
ઇડર તાલુકાના ઓડા ગામે ભર શિયાળે પાણી ન આવતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ગામની મહિલાઓના જણાવ્યા મુજબ છેલ્લા 20-25 દિવસથી પાણી મળી રહ્યું નથી શૌચક્રિયા માટે પણ પાણી નથી. જ્યારે સરપંચે આ બાબતે જણાવ્યું કે પાણી ની લાઈન તૂટી જવાથી છેલ્લા છ – સાત દિવસથી પાણી નથી મળ્યું નવી લાઈન નાખી છે અને લાઈન રીપેર કરવાની હાલમાં કામગીરી ચાલી રહી છે.
મળતી માહીતી મુજબ ઓડા ગામમાં પાણી ની સમસ્યા થતા મહિલાઓએ માથે પાણીના માટલા લઈ ને વિરોધ દર્શાવ્યો હતો અને શુક્રવાર સાંજ સુધી પાણી નહિ મળે તો શનીવારે ટીડીઓ સમક્ષ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
ઓડા ગામના તળાવ વાળો વાસના 90 જેટલા ઘર, નાયી ફળિયાના 25 જેટલા ઘર, દરબારગઢ ના 15 જેટલા ઘર અને ઠાકોર વાસના 50 જેટલા ઘરોમાં 20 થી 25 દિવસથી પાણી ન આવતા લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે. ગામના શીતલબેન ને જણાવ્યું કે માટે બેડા લઈને પાણી લેવા જવું પડી રહ્યું છે. વિમળા બે ને જણાવ્યું કે સંડાસના ઉપયોગ માટે પણ પાણી નથી. ભગીબેને જણાવ્યું કે અમારે કપડાં ધોવા માટે કેનાલે જવું પડે છે. આ અંગે સરપંચ મુકેશભાઈ એ જણાવ્યું કે લાઈન તૂટી છે રીપેર કરવાની કામગીરી ચાલુ છે. છ – સાત દિવસ થી પાણીની સમસ્યા છે. નવી લાઈન નાખી છે સત્વરે સમસ્યા દૂર થઈ જશે.



