

દંત્રાલ પેટા છાપરાના અનિલને આર.બી.એસ.કે ટીમ થકી નવજીવન મળ્યુ
********
સારવાર થકી જન્મજાત ક્લબફૂટની તકલીફમાંથી છુટકારો મેળ્યો
*******
સાબરકાંઠા જિલ્લાના પોશીનાના દંત્રાલના પેટા છાપરાના એક વર્ષના અનિલને આરોગ્યની આર.બી.એસ.કે. ટીમ દ્રારા મળેલ સાથ થકી જમણા પગમાં કલબફૂટ (જન્મજાત વળેલા પગ)ની તકલીફમાંથી છુટકારો મળતા અન્ય બાળકોની જેમ તે પણ દોડી રમી શકશે.
એક વર્ષના અનિલના પિતા શ્રી ગોપાલભાઇ ગમાર જણાવે છે કે, અનિલના જન્મથી જ આ પગની બિમારી હતી. અમને ખબર જ નહોતી કે આ બિમારીનો ઇલાજ હશે. એક દિવસ અમારા ઘરે આશાબેન આવીને અનિલની તપાસ કરી અને જાણકરી કે બાળકને ઇલાજ થકી સ્વસ્થ કરી શકાશે પરંતુ હિંમતનગર ખાતે ઇલાજનું નામ સાંભળતા જ અમારા પરીવારે ના પાડી અને ઘરે આવવાની પણ ના પાડી દીધી હતી. આ બધુ જ કરવા છતાં આર.બી.એસ.કે.ની ટીમ અમારા ઘરે આવીને સમજાવ્યાં અને અમારા વિસ્તારના અન્ય બાળકોની સારવાર કર્યા હતા તેમના પરીવાર સાથે અમને મળાવ્યાં હતા. અમને વિશ્વાસ થયો અને અમે ઇલાજ માટે તૈયાર થયા.
વધુમાં તેમણે અમારા દિકરાની સારવાર માટે હિંમતનગર મેડીકલ કોલેજ ખાતે જવા આવવા માટે ટીમ દ્રારા વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત જેટલા પ્લાસ્ટર થયા બાદ અમારા દીકરાને બુટ આપવામાં આવ્યા હતા. જેના થકી આજે અમારો દિકરો સ્વસ્થ છે. તેના બંન્ને પગ હવે સ્વસ્થ છે અને પોતાના પગ પર ઉભો થઈ ચાલી શકે છે. આ તમામ સારવાર અમને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવા માટે સરકારશ્રીનો અને આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર.
આર.બી.એસ.કે.ના હરેશભાઇ જણાવે છે કે, આ વિસ્તારમાં લોકો અંધશ્રધ્ધામાં જીવે છે તેમને સારવાર માટે તૈયાર કરવા મુશ્કેલ કામ છે પરંતુ સમગ્ર ટીમે ખુબ મહેનત કરી આ બાળક માટે સારવાર માટે માતા-પિતાને તૈયાર કર્યા હતા.
અનિલની માતા જણાવે છે કે જો આરોગ્ય વિભાગની ટીમે અમારા દિકરા માટે જે કામ કર્યું છે તે અમારા માટે ભગવાન બરોબર છે. સરકારનો અને સમગ્ર આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.
સરકારની આરોગ્ય વિભાગની યોજનાઓનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે આરોગ્ય વિભાગના કર્મિઓ અથાગ મહેનત કરી રહ્યા છે જે માટે આ ટીમ ખરેખર અભિનંદનને પાત્ર છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



