જુનાગઢ જિલ્લાભરમાં તાલુકાકક્ષાએ તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ

રવિ કૃષિ મહોત્સવની સાથે સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : જિલ્લાભરમાં તાલુકાકક્ષાએ તા.૨૪ તથા ૨૫ નવેમ્બરે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. જેના સુચારુ આયોજન માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો ખેડૂતોને મહત્તમ લાભ થાય તે દિશામાં આયોજન હાથ ધરવા સૂચના આપતા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ખેડૂતો કૃષિલક્ષી નવીન જ્ઞાન પ્રાપ્ત કરે તે પ્રકારના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવે, સાથે જ ખેડૂતો કૃષિ લક્ષી ટેકનોલોજી રૂબરૂ નિહાળી અને અનુભવી શકે તે પ્રકારનું સ્ટોલ્સના મારફતે પ્રદર્શન ઉભુ કરવા માટે જણાવ્યું હતું.
કલેકટરે સ્થાનિક ખેતી પેદાશોને લક્ષ્યમાં રાખી તાલુકાકક્ષાએ કૃષિ મેળામાં કૃષિ પાકોનું મૂલ્યવર્ધન અને તેના પ્રોસેસિંગ માટે પણ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે આયોજન કરવા જણાવ્યું હતું.
બે દિવસીય આ કૃષિ મેળામાં ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારવા શહેરના વિષયો ઉપર વક્તવ્યની સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવશે. પ્રાંત ઉપરાંત પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની પણ ખેડૂતોની મુલાકાત ગોઠવવામાં આવશે.
આ રવિ કૃષિ મહોત્સવની સાથે સેવા સેતુ અને પશુ આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોંડલીયા, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિતના સંબંધિત અધિકારી ઉપરાંત તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીઓ સહિતના સલગ્ન અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.





