૨૦-ઓકટો.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ કચ્છ :- કેન્દ્ર સરકારે તાજેતરમાં પોતાના કર્મચારીઓ માટે ૪ ટકા મોંઘવારી ભથ્થું વધાર્યું છે ત્યારે રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ માટે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું વધારે તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ-૨૦૨૩ની અસરથી મોંઘવારી ભથ્થાંના દરમાં ૪ % નો વધારો કરી ૪૨ % થી ૪૬ % મોંઘવારી ભથ્થું જાહેર કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા વખતોવખત વધતી જતી મોંઘવારીને ધ્યાને લઈ કેન્દ્રના કર્મચારીઓ માટે સમયસર મોંધવારી ભથ્થું જાહેર કરવામાં આવે છે. રાજ્યમાં હાલ જાન્યુઆરી-૨૦૨૩ની અસરથી મોંઘવારી ભથ્થાંનો દર ૪૨% છે ત્યારે આર્થિક રીતે સમૃધ્ધ એવા ગુજરાતનું ગૌરવ સતત વધતું રહે તે માટે કાર્યરત એવા રાજ્યના કર્મચારીઓ માટે પણ મોંધવારી ભથ્થું વધારવાની જાહેરાત હાલ ચાલતા તહેવારોમાં કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. હાલની અસહ્ય મોંઘવારીને ધ્યાને લઈ રાજય સરકારના કર્મચારીઓને આપવામાં આવતાં મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૩ની અસરથી ૪% મોંઘવારી વધારા ભથ્થું આપી ૪૬% કરવા જાહેરાત કરવામાં આવે અને આ અંગેનો પરિપત્ર સત્વરે બહાર પડે તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણા ગોયલ અને રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.