
28-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ક્રિષ્ના ગોવિંદજી બાંભણિયાએ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની લાયકાત ધરાવતી જીસેટની પરીક્ષા ભૌતિક વિજ્ઞાન વિષય સાથે પાસ કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 11 કેન્દ્રો પરથી લેવાયેલી આ પરીક્ષામાં માત્ર સાત ટકા વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થઈ શક્યા હતા.અંજારના વતની અને માત્ર અક્ષરજ્ઞાન સુધીનો જ અભ્યાસ કરી શકનાર માતા ભાવનાબેન અને પિતા ગોવિંદજી બાંભણીયાની સુપુત્રી ક્રિષ્નાએ રાજયકક્ષાએ લેવાયેલી આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની અતિ કઠિન પરીક્ષા જીસેટ પાસ કરવાનું શ્રેય માતા-પિતાને આપતા જણાવ્યું હતું કે પિતા કડિયા કામ કરી અને માતા શાક માર્કેટમાં શાક વહેંચીને કઠિન પરિસ્થિતિમાં અમને ભણાવેલ છે. તેમની આ સિદ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફફલે અભિનંદન આપતા જણાવ્યું હતું કે કોલેજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ આવે એ માટે કોલેજનો સમગ્ર સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય છે અને અવાર નવાર કોલેજમાં જનરલ નોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના નિષ્ણાંતોના વક્તવ્યો યોજવામાં આવતા હોય છે. આ સિદ્ધિ બદલ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેસર અને મંત્રી વિશ્રામભાઇ ગઢવી સહિત સમગ્ર કોલેજ પરિવારે ક્રિષ્નાને અભિનંદન પાઠવ્યા હતા.








