
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ
માંડવી તા – ૧૯ માર્ચ : ગુજરાતની અમુક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યને બાદ કરતા તમામ શિક્ષકોને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર પરીક્ષણ કાર્યના ઓર્ડર મળેલ છે. જો તમામ શિક્ષકોને શાળામાંથી પરીક્ષણ કાર્ય માટે મુક્ત કરવામાં આવે તો ધો.૯ અને ધો.૧૧ ના વર્ગો માત્ર એક આચાર્ય વડે ચલાવી શકાય એ શક્ય નથી. તો આવી પરિસ્થિતિમાં શાળાની શિક્ષણ વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની શકે એમ છે. તો આ બાબતે ગંભીરતાથી વિચાર કરી ૫૦% અથવા શાળાના શિક્ષણ કાર્યની જરૂરિયાત મુજબના શિક્ષકોને મુક્ત કરવા બાબતનો પરિપત્ર કરવામાં આવે, એવી સમગ્ર ગુજરાતના આચાર્ય ગણ તેમજ શિક્ષકોની લાગણી તેમજ માંગણી વ્યક્ત કરાયેલ છે. તો આ વિષય અનુસંધાને મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીની સાથે સાથે શિક્ષણ પણ ન બગડે એ બાબતને ધ્યાને લેતા ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ મધ્યસ્થ મૂલ્યાંકનમાંથી જરૂરિયાત મુજબ મુક્તિ માટેનો પરિપત્ર કરવામાં આવે, એવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ તેમજ પરીક્ષા નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ સહસંગઠન મંત્રી તેમજ કચ્છ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ છે.