
તા.૪/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
શાળાઓમાં સંકલ્પ પત્રોના વિતરણ અને વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી મતદાન વધારવાના પ્રયાસો
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારની ચૂંટણી તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનારી છે. લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪ અંતર્ગત ભારતભરમાં ” મતદાન જાગૃતિ ” અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શાળાઓ પણ મતદાન જાગૃતિનો હિસ્સો બની રહી છે.

જેના ઉપક્રમે અધિક કલેકટરશ્રી અને સ્વીપના નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજકોટની વિવિધ શાળાઓમા મતદાન જાગૃતિને પગલે કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ સંકલ્પપત્ર વિદ્યાર્થીઓ પાસે ભરાવવામાં આવ્યા હતા. જ્યારે જી.ટી. શેઠ વિદ્યાલય (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ )માં મતદાન જાગૃતિ અંગે સ્પીચ અને નિબંધ લેખન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ માટેનું નાટક ભજવી લોકોને મત આપવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. સરકારી કન્યા વિદ્યાલય ધોરાજી ખાતે પણ વિદ્યાર્થીઓને સ્વીપ અંગેની જાણકારી તથા મતદાન કરવું એ આપણો અધિકાર છે તે વિશે વધુ માહિતી અપાઇ હતી અને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રેરિત કરાયા હતા. આમ, શાળાઓમા સંકલ્પ પત્રોના વિતરણ અને વિવિધ સ્પર્ધાના માધ્યમથી મતદાન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.









