GUJARATJETPURRAJKOT

રાજકોટ તાલુકા, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

તા.૫/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

શિક્ષણ દિન નિમિત્તે રાજકોટ જિલ્લા તેમજ તાલુકા શાળામાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથો સાથ વિદ્યાર્થીઓના ઉત્કર્ષમાં વિશિષ્ટ પ્રદાન આપનાર રાજકોટ તાલુકાના બે શિક્ષકો તેમજ જિલ્લાના ત્રણ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા શિક્ષણાધિકારી કચેરી રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજકોટ જિલ્લા-તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ સમારોહમા તાલુકા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષક વિછીયાની શ્રી ફુલઝર પ્રાથમિક શાળાના શ્રી પટેલ કૌશિકભાઈ, ઉપલેટાની નાગાવદર તાલુકા શાળાના કનુભાઈ મકવાણા જ્યારે જિલ્લા કક્ષાએ માધ્યમિક વિભાગમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટના ભૂંડિયા હિતેશકુમાર તથા જસદણની ખાંડા હડમતીયા તાલુકા શાળાના શ્રી પરમાર સુનિલકુમાર,  જિલ્લા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક લોધિકાની શ્રી રાતૈયા પ્રાથમિક શાળાના ભટાસણા કવિતાબેનને મહાનુભાવોના હસ્તે પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. આ સાથે જ્ઞાન સાધના સ્કોલરશીપ મેળવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું..

રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ પ્રાપ્ત પીઢ શિક્ષક ડો. વી.બી ભેસદડીયાએ પ્રેરણાત્મક ઉદબોધનમાં  શિક્ષકોને એવોર્ડ માટે નહીં, પરંતુ શ્રેષ્ઠ શિક્ષણ માટે કાર્ય કરવા શીખ આપી હતી. શ્રેષ્ઠ શિક્ષણ થકી એવોર્ડ સામેથી ચાલીને આવશે, તેમ તેઓએ જણાવ્યું હતું.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઈ પૂજારાએ શિક્ષકો હંમેશા વંદનીય હોવાનું જણાવી કહ્યું હતું કે કોઈપણ ક્ષેત્રના મહાનુભાવો તેમના શિક્ષકોને શીશ ઝુકાવી હંમેશા આદર આપતા હોય છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ.કૈલાએ સ્વાગત પ્રવચનમા રાષ્ટ્રના ઘડતરમાં પ્રાચીન ભારતથી લઈ હાલ સુધીના શ્રેષ્ઠ શિક્ષકોને યાદ કરી રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષકોને પોતાનું આગવું યોગદાન આપવા શીખ આપી હતી.

ડાયેટના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ મહેતાએ આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઉમેશભાઈ વાળાએ કર્યું હતું.

આ પ્રસંગે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ગીતાબેન ટોળીયા, ન્યુ એરા સ્કૂલના ટ્રસ્ટી શ્રી અજયભાઈ પટેલ, શાસનાધિકારી શ્રી કિરીટસિંહ પરમાર સહિત વિવિધ શાળાના આચાર્યશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button