જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ ભરતીનો ‘આપ’ના તમામ ધારાસભ્યો દ્વારા વિધાનસભા ગૃહ સામે વિરોધ.

TET TAT પાસ ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એવી અમારી માંગણી છે: ચૈતર વસાવા
વર્ષો સુધી મહેનત કરીને સરકારી નોકરી મેળવવાનું જે સપનું યુવાનોએ જોયું હતું, તે સપનાને તોડી નાખવામાં આવ્યું છે: ચૈતર વસાવા
જો સરકાર 15 દિવસમાં નહીં જાગે તો ખૂબ મોટા પ્રમાણમાં યુવાઓને સાથે રાખીને વિધાનસભા ગૃહની સામે ખૂબ જ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે: ચૈતર વસાવા
અમદાવાદ/ગુજરાત
વિધાનસભા બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પૂતળા સમક્ષ આમ આદમી પાર્ટીના તમામ પાંચ ધારાસભ્યોએ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે જે કોન્ટ્રાક્ટ ભરતી શરૂ કરવાની વાત સરકારે કરી છે, તેનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર TET TAT પાસ ઉમેદવારોની જ્ઞાન સહાયક અને ખેલ સહાયકના નામે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી કરી રહી છે, તેનો અમે આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો વિરોધ કરીએ છીએ. અને અમે સરકારને કહેવા માંગીએ છીએ કે 2015 થી તાસ આધારિત પ્રવાસી શિક્ષકોનું જે શિક્ષણ કાર્ય ચાલે છે તે બંધ થવું જોઈએ. અને તમામ TET TAT પાસ ઉમેદવારોની કાયમી ધોરણે ભરતી કરવી જોઈએ એવી અમારી માંગણી છે.
વર્ષો સુધી મહેનત કરીને સરકારી નોકરી મેળવવાનું જે સપનું યુવાનોએ જોયું હતું, તે સપનાને તોડી નાખવામાં આવ્યું છે અને તેમના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવ્યું છે. સરકારની વયમર્યાદાની નીતિના કારણે પણ ઘણા યુવાઓનું ભવિષ્ય રોળાઈ ગયું છે. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી રહ્યા છીએ, ત્યારે યુવાનોને કાયમી નોકરી મળે એ માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ. જો શિક્ષકોની ભરતી કોન્ટ્રાક આધારિત થશે તો બાળકોના ભવિષ્ય નું શું થશે? બાળકોના ભવિષ્ય માટે અને શિક્ષકોના પણ ભવિષ્ય માટે તેમની કાયમી ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
જો સરકાર 15 દિવસમાં નહીં જાગે તો ખૂબ મોટા પ્રમાણમાં વિધાનસભા ગૃહની સામે ખૂબ જ મોટું આંદોલન શરૂ કરવામાં આવશે. આંદોલનમાં ગુજરાતના શિક્ષણ જગત સાથે જોડાયેલા તમામ યુવાઓને સાથે રાખીને શરૂ કરવામાં આવશે. માટે અમે સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે આવનારા સમયમાં અમારે યુવાનો સાથે મળીને કોઈપણ આંદોલન ન કરવું પડે એ માટે તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી રદ કરીને કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે.










