
તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અદ્યતન લેબ દ્વારા છેલ્લા ૬ માસમાં ૮૫૧૭૧ લેબોરેટરી ટેસ્ટ કરાયા:સરેરાશ દૈનિક ૩૧૫થી વધુ ટેસ્ટ કરતી સબ ડિસ્ટ્રિક્ટ સરકારી હોસ્પિટલ જસદણ
રાજ્ય સરકાર દ્વારા લોકોને આરોગ્ય સુવિધાઓ પોતાના નજીકના વિસ્તારમાં જ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ મુખ્ય સરકારી હોસ્પિટલ, તાલુકા કક્ષાએ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ગ્રામ વિસ્તારોમાં નજીકમાં સી. એચ. સી. સાથે જ પી.એચ.સી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વિકસાવવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત લોકોને ખાનગી હોસ્પિટલમાં થતા અનેક મોંઘા લેબોરેટરી ટેસ્ટ જેવા કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સી.બી.સી. વગેરે ટેસ્ટ સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક કરી આપવામાં આવે છે. નાગરિકોને આરોગ્ય સુખાકારીની સેવાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ત્યારે રાજકોટ જિલ્લાની જસદણની સબ ડિસ્ટ્રીકટ સરકારી હોસ્પિટલ દ્વારા લોકોને દરેક સેવાઓ તત્કાળ પૂરી પાડીને અત્યંત સ્તુત્ય કામગીરી કરવામાં આવી રહી છે.
જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લોકોને મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત ૩૩ જેટલા લેબોરેટરી ટેસ્ટ નિ:શુલ્ક કરી આપવામા આવે છે. હોસ્પિટલ ખાતે છેલ્લા છ માસમાં ૮૫ હજાર ૧૭૧ જેટલા વિવિધ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવેલા છે, જેની દૈનિક સરેરાશ જોતા હોસ્પિટલની લેબોરેટરી ખાતે દૈનિક ૩૧૫થી વધુ લેબ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ લેબોરેટરી ટેસ્ટમાં પેથોલોજી, બાયોકેમેસ્ટ્રી ટેસ્ટ, માઇક્રોબાયોલોજી ટેસ્ટ, રેડિયોલોજી અને કાર્ડીઓલોજી ટેસ્ટ પણ કરવામાં આવે છે, જે અંતર્ગત હિમોગ્લોબીન, ટી.એલ.પી, મેલેરીયા, ટાઈફોઈડ, ડી.એલ.સી., સી.બી.સી, આર.બી.સી. કાઉન્ટ, પ્લેટલેટ, પી.સી.વી., સર્વાઇકલ કેન્સર માટેના પેપ સ્મિયર ટેસ્ટ, કમળા, કિડની અને લીવરની કામગીરી, હૃદય માટેના ઇ.સી.જી. તથા ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત વિવિધ ૩૩ જેટલા ટેસ્ટ લોકોને કરી આપવામાં આવે છે.
સરકારી હોસ્પિટલ જસદણ ખાતે મોટાભાગના પરીક્ષણોનો લોકો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે વિસ્તારના ધારાસભ્યશ્રીની ગ્રાંટમાથી અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિદાન અને લેબોરેટરી ટેસ્ટની સુવિધા સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાથી, લોકોએ ખાનગી હેલ્થકેર સંસ્થાઓમાં જવાની જરૂર પડતી નથી અને લોકોના સમય તથા પૈસા બંનેની બચત થાય છે. તથા ઝડપી નિદાન અને ઝડપી સારવાર મળવાથી અનેક લોકોના જીવન બચી શક્યા છે. અદ્યતન સુવિધાઓ અને સંનિષ્ઠ તબીબોના પ્રયાસો થકી જસદણ વિસ્તારના લોકોને સારવાર માટે હવે દૂર જવાની જરૂર પડતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી નિદાન યોજના અન્વયે વર્ષ- ૨૦૨૨થી રાજ્ય સરકાર દ્વારા મફત તબીબી પરીક્ષણ યોજના શરૂ કરવામાં આવી છે, જેનો હેતુ ગુણવત્તાયુક્ત મેડિકલ ટેસ્ટ અને ડાયગ્નોસ્ટિક સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવાનો છે.