સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ


સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં સંકલન સમીતિની બેઠક યોજાઇ
******
સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી .
આ બેઠકમાં ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરાએ જિલ્લા આદિજાતિ મંડળ અને આયોજનની બેઠક જાન્યુઆરી માસમાં યોજવા અંગે રજૂઆત કરી હતી., હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલા મૂલ્યાકંન સમિતિની સમયાંતરે બેઠક બોલાવવા અંગે રજૂઆત કરી હતી જયારે ખેડબ્રહ્માના ધારાસભ્ય શ્રી ડૉ. તુષાર ચૌધરીએ ખેડબ્રહ્મા શહેરમાં ગટરલાઇન અને તાલુકામાં પીવાના પાણીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી હતી જેને સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેકટર શ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જયારે સંકલનના બીજા તબક્કામાં સંકલનની બેઠકમાં અધિકારીઓને કડક સૂચન કરતા જણાવ્યું હતું કે, સંકલનના અધિકારીઓ જાતે જ બેઠકમાં હાજર રહેવું તેમણે બાકી પેન્શન કેસો બાબતે સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે, પેન્શન કેસની ગાઇડલાઇન મુજબ નિયત સમયમાં પેન્શન મળે તેની ખાસ તકેદારી રાખવી તેમજ કર્મચારીઓના ખાનગી અહેવાલ પણ સમયમર્યાદામાં લખાય તેના પર ખાસ ભાર મુક્યો હતો. તેમણે સમયાંતરે તાબાની કચેરીઓનું નિરીક્ષણ કરવા અધિકારીઓને સૂચન કર્યુ હતુ. આ સાથે સરકારી લેણાની વસૂલાત ઝડપી કરવા પર ખાસ ભાર મુક્યો હતો.
બેઠકમાં તાજેતરમાં યોજાયેલ પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર કલાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શી રીતે યોજવા બદલ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. જયારે આગામી સમયમાં યોજાનાર તલાટીની પરીક્ષા પણ સુપેરે પાર પડે તે માટે કાળજી રાખવા સૂચન કર્યુ હતું. કલેકટર શ્રીએ ભારત અને ગુજરાત સરકારની મહત્વની યોજનાઓમાં આપવમાં આવેલ લક્ષ્યાંક સિધ્ધ કરવા પર ભાર મુક્યો હતો. આ ઉપરાંત ત્રિ-સ્તરીય યોજાનાર ગ્રામ/તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત અધિક કલેકટર શ્રીએ ન્યૂઝ એનાલિસિસ પોર્ટલમાં આવતા જિલ્લાના નકારાત્મક સમાચારોનું ઝડપી ઉકેલ લાવવા સૂચન કર્યુ હતું તેમજ પી.એમ પોર્ટલ પર આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાએ વિકાસના ચાલતા કામો આગામી ચોમાસા પૂર્વે ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને કહ્યુ હતું, જયારે જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલાએ મોબાઇલ અને ચેન સ્નેચિંગ જેવી ચોરીઓને ડામવા બસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા ઝડપથી ચાલુ કરવા સૂચન કર્યુ હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલકુમાર વાઘેલા, અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કલ્પેશ પાટીદાર, પ્રાંત અધિકારીશ્રી તેમજ અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા



