રાજકીય પક્ષના ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવા માટે માર્ગદર્શન અપાયું

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ઉમેદવારોને ચૂંટણી ખર્ચના હિસાબો નિભાવવવા ઉપરાંત ઉમેદવારની લાયકાત સહિત અન્ય નિયમોનુસારની પ્રક્રિયા હાથ ધરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૩- જૂનાગઢ બેઠક માટે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ખાસ કરીને ભારતીય ચૂંટણી દ્વારા ખર્ચ અંગે થયેલ જોગવાઈઓ વિશે માહિતગાર કરાયા હતા. ઉપરાંત ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા અને લાયકાતો તેમજ જાહેર સભા, વાહન વગેરેની મંજૂરી મેળવવા બાબતે પણ જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવા માટેની હેલ્પલાઇન અને એપ્લિકેશન વિશે પણ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ખર્ચના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જય પટેલ, ચૂંટણી ખર્ચના આસિસ્ટન્ટ નોડલ આર.વી. સુવા સહિતના અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.