
વાત્સલ્યમ્ સમાચાર-ફતેપુરા
રિપોર્ટર-જુનેદ પટેલ
આઝાદીના અનમોલ અવસર એવા ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રગીત અને દેશ ભક્તિના ગીતો સાથે અપાર ઉત્સાહ અને અનેરા ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સરકારી, અર્ધસરકારી કચેરીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય પક્ષો, સ્કૂલો માં ધ્વજવંદન સાથે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફતેપુરાના માજી સરપંચ કચરૂભાઈ પ્રજાપતિએ ધ્વજવંદન કર્યું હતું. ફતેપુરા તાલુકા કુમાર શાળામાં પ્રદેશ આદિજાતિ મોરચાના ડો.અશ્વિનભાઈ પારગી, જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે ફતેપુરા મુસ્લિમ સમાજના અગ્રણી રજ્જાકભાઈ પટેલ, ફતેપુરા ગ્રામપંચાયત ખાતે પૂર્વ સભ્ય દિલીપભાઈ પ્રજાપતિ, તેરગોળા સ્કૂલ ખાતે પૂર્વ ડે.સરપંચ ફારૂકભાઈ ગુડાલા, દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ૭૭માં સ્વાતંત્ર્ય દિન નિમીત્તે ફતેપુરાના વિવિધ વિસ્તારોમાં પ્રભાત ફેરી નીકળી હતી. વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે નીકળેલી પ્રભાત ફેરીના પગલે સવારથી જ દેશભક્તિનો માહોલ શરૂ થઇ ગયો હતો. તે સાથે શહેરની મસ્જિદો અને મંદિરોમાં તિરંગા લગાવીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ફતેપુરા તાલુકો દેશભક્તિના રંગમાં રંગાયો હતો.