
૬-મે
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ
સમગ્ર દેશમાંથી વિક્રમી એક લાખ જેટલા શિક્ષકો ઉપસ્થિત રહેશે
ભુજ કચ્છ:- ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના યજમાન પદે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯ મું દ્વિ વાર્ષિક શૈક્ષણિક અધિવેશન રાજ્યમાં પ્રથમ વખત પાટનગર ગાંધીનગર ખાતે મળવા જઈ રહ્યું છે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર શિક્ષણ પરિવર્તનના કેન્દ્રમાં શિક્ષકો અને સંગઠનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલા શિક્ષકોનું સશક્તિકરણ એ મુખ્ય વિષયો પર ફિરોઝપુર ગિફ્ટ સિટી, ગાંધીનગર મુકામે મળનાર આ બે દિવસીય અધિવેશનનું તા. ૧૨ મે ના રોજ સવારે ૧૦ કલાકે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કથાકાર પૂ. મોરારિ બાપુ, કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, ડૉ. મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સાંસદો ભારતીબેન શિયાળ, પૂનમ માડમ, જગદંબિકા પાલ, રાજ્ય સરકારના મંત્રીઓ ઋષિકેશ પટેલ, ડૉ. કુબેર ડિંડોર, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજિત ૩૦ હજાર જ્યારે ગુજરાતમાંથી ૭૦ હજાર મળી કુલ ૧ લાખ જેટલા ડેલીગેટ્સ ઉપસ્થિત રહેવાનો અંદાજ હોઇ ગાંધીનગર ખાતે એની તડામાર તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આમ તો રાષ્ટ્રિય અધિવેશન દર ૨ વર્ષે દેશના અલગ – અલગ રાજ્યોમાં યોજાય છે પણ ગુજરાતના આંગણે પ્રથમ વાર રાષ્ટ્રિય શૈક્ષણિક અધિવેશન હોઇ રાજ્યભરના શિક્ષકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાંથી પણ મહિલા શિક્ષકો સહિત અંદાજિત ૨ હજાર જેટલા પ્રાથમિક શિક્ષકો આ અધિવેશનમાં ભાગ લેનાર હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા અને મહામંત્રી કેરણા આહિરે જણાવ્યું છે. અધિવેશનમાં એજ્યુકેશન ઇન્ટર નેશનલના જનરલ સેક્રેટરી ડેવિડ એડવર્ડ, એશિયા પેસિફિકના ચીફ કો ઓર્ડીનેટર આનંદસિંઘ પણ ખાસ ઉપસ્થિત રહી શિક્ષકોને માર્ગદર્શિત કરશે. ઓલ ઇન્ડિયાના અત્યાર સુધીના ઇતિહાસમાં રાષ્ટ્રિય શૈક્ષણિક અધિવેશનમાં કોઈ વડાપ્રધાન ઉપસ્થિત રહ્યા હોય એવો ૩૪ વર્ષ પહેલા બન્યું હતું જેમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી હાજર રહ્યા હતા એ પછી આ વખતે વડાપ્રધાન મોદી હાજર રહેશે જે બીજી ઐતિહાસિક ઘટના બનશે. અધિવેશનને સફળ બનાવવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામપાલસિંહ, મહામંત્રી કમલાકાંત ત્રિપાઠી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષ પટેલ, કાર્યાધ્યક્ષ રણજીતસિંહ પરમાર, ગોકુળ પટેલ, બચુભાઈ વસાવા, પ્રભાતસિંહ ખાંટ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.