આગામી ચોમાસા સંદર્ભે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આગામી ચોમાસા દરમિયાન પૂર્વ તૈયારીનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને આજ રોજ જીલ્લા સેવા સદન, કાલીયાવાડી ખાતે પ્રિ મોન્સુન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત તમામ અધિકારીશ્રીઓને આગોતરા આયોજન વિશે જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.
પૂર, વાવાઝોડું, ભારે વરસાદ વગેરેથી થતાં નુકશાનને અટકાવવા માટે પૂર્વ તૈયારી સાથે આગોતરું આયોજન હોય તે અનિવાર્ય છે. જિલ્લામાં અંતરિયાળ વિસ્તાર હોય કે જંગલ પ્રદેશ, દરિયાકિનારો હોય કે શહેરી વિસ્તાર, ચોમાસા દરમિયાન ચોક્કસ આયોજન જરુરી છે એમ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
ચોમાસા દરમિયાન સ્વચ્છતા અને આરોગ્ય સંબધિત વ્યવસ્થાઓ, ઓવરફ્લો થતાં ડેમને લઈ એલર્ટ, જર્જરિત મકાનોની યાદી તૈયાર કરવા બાબત, ડેમની જળસપાટીનું સતત મોનિટરિંગ, ચોમાસાના પગલે નબળા રસ્તા, પુલ, નાળાનું ચેકિંગ હાથ ધરવા, વીજ વાયરો અને લાઈનની ચકાસણી, શાળાના ઓરડા અને બિલ્ડિંગની ચકાસણી સહિતના મુદ્દાઓને લઈ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત સમીક્ષા કરી હતી. આપત્તિ વ્યવસ્થાપન પ્લાન મુજબ તાલુકા/ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાના કારણે જાન-માલનું નુકશાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તથા પશુઓ માટે ઘાંસચારાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
ઉપરાંત, તાત્કાલિક વ્યવસ્થાઓ, નુકશાનની વિગતો, કમ્યુનીકેશન પ્લાન, સલામત આશ્રયસ્થાનો, સંભવિત સ્થળાંતરની જગ્યાઓ, ફૂડ પેકેટ, જીલ્લા કંટ્રોલ રૂમ સાથે સંપર્ક વગેરેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર પણ ખાસ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, અધિક કલેકટરશ્રી કેતન જોશી, નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય, પ્રાંત અધિકારીશ્રીઓ સર્વે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



