
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા સહિત શામગહાન પંથકમાં વીજળીનાં કડાકા ભડાકામાં વાવાઝોડુ ફૂંકાવાની સાથે બરફનાં કરા પડતા વાતાવરણ બિહામણુ બન્યુ હતુ..પેટા:-સાપુતારા શામગહાન વિસ્તારની સૂકી ભઠ્ઠ અને તપ્ત ભૂમિ પર બરફનાં કરાની સાથે કમોસમી વરસાદ પડતા તપ્ત ભૂમિ તરીતૃપ્ત બની.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં રવિવારે દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ છવાઈ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ સહિત સુબિર તથા પૂર્વપટ્ટીનાં ગામડાઓમાં દીવસ દરમિયાન ક્યાંક વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ તો ક્યાંક ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.જેમાં ગિરિમથક સાપુતારા, શામગહાન સહિત સરહદીય પંથકનાં ગામડાઓમાં રવિવારે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.સાપુતારા અને શામગહાન પંથકમાં મોડી સાંજે વીજળીનાં કડાકા ભડાકામાં બરફનાં કરા પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.શામગહાન પંથકમાં જોરદાર વાવાઝોડાની સાથે બરફનાં કરા અને કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી.સાપુતારા અને શામગહાન પંથકમાં ફૂંકાયેલ વાવાઝોડાએ અમુક જગ્યાએ વૃક્ષોને ધરાશયી કરી દીધા હતા.જ્યારે અમુક ઠેકાણે કાચા પતરાઓનાં શેડ હવામાં ઉડાડી દઈ જમીનદોસ્ત કરી દેતા નુકસાનિનાં અહેવાલો સાંપડી રહ્યા છે.સાથે વીજળી ડુલ થઈ જવા પામી હતી. વધુમાં શામગહાન પંથકમાં ભરપૂર માત્રામાં બરફનાં કરા પડતા લોકોએ બરફનાં કરાને વીણીને સેલ્ફીઓ લીધી હતી.સાથે સાપુતારા અને શામગહાન વિસ્તારનાં ગામડાઓમાં માર્ગો તથા સૂકી ભઠ જમીન પર ઠેરઠેર સફેદ રંગનાં બરફનાં કરા પડવાની સાથે પથરાઈ જતા વાતાવરણ મનમોહક બની જવા પામ્યુ હતુ.સાપુતારા અને શામગહાન વિસ્તારમાં વધારે માત્રામાં બરફનાં કરા પડતા અહીનું સમગ્ર વાતાવરણ મીનીકાશ્મીર જેવુ બની ગયુ હતુ.અહી કુદરતનો કહેર કહો પછી કુદરતી નજારાની સુંદરતા જે બરફનાં કરા સ્વરૂપમાં જોવા મળી હતી.શામગહાન વિસ્તારમાં થોડાક સમય માટે જ્યાં પણ નજર નાખો ત્યાં માત્રને માત્ર બરફનાં કરા જોવા મળ્યા હતા.જે થોડાક સમય બાદ પાણીમાં રૂપાંતરિત થઈ વિલુપ્ત બન્યા હતા.ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ અને બરફનાં કરાનાં પગલે ખેડૂતોનાં ફળફળાદી પાકોને જંગી નુકસાન થયુ હતુ.હાલમાં ભરઉનાળાની ઋતુમાં મૌસમે મિજાજ બદલતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે..





