
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઈનાં બોરીગાવઠા ગામનો જર્જરીત પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હોવા છતાં નીતિ નિયમોને નેવે મૂકી રાત્રિના સમયે મોટા વાહનોની અવરજવર શરૂ રહેતા જવાબદારી કોની…ડાંગ જિલ્લા પંચાયતનાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વઘઇ તાલુકાનાં બોરીગાવઠા અને ભેંસકાતરી પુલની સ્ટેબિલિટી ચેક કરતા આ બન્ને પુલની હાલત બિસ્માર જણાઈ હતી.જે બાદ આ બન્ને રિવર બ્રિજ પરથી 10 ટનથી વધુનાં ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.અને આ બન્ને બ્રિજ પરથી ભારે વાહનોએ પસાર થવુ નહીનાં સૂચક બોર્ડ પણ માર્યા છે.આ બન્ને બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થામાં વઘઇ–પીંપરી-કાલીબેલ-ભેંસકાતરી રોડનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ.આ બાબતે નિયમનો ભંગ કરે તો ફોજદારી કાર્યરીતી અધિનિયમ –1973 ની કલમ-144 મુજબ ડાંગ જિલ્લા મેજીસ્ટ્રેટ મહેશ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ.જેમાં વઘઈ તાલુકામાં આવેલ બોરીગાવઠા ગામનો ડુંગરડા ભેંસકાતરી રોડ પરનો 10 ગાળાનો મેજર બ્રિજ 15 ઓગસ્ટથી 14 ઓક્ટોબર સુધી બંધ કરવામાં આવ્યો છે.આ બ્રિજની બંને તરફ લોખંડની એંગલ મારવામાં આવી હતી.જેના કારણે ભારે વાહનો પસાર ન થઈ શકે.પરંતુ જાહેરનામાનો ભંગ કરીને રાત્રિના સમયે મોટા વાહનો બ્રિજ પરથી પસાર થતા હોવાથી આ લોખંડની એંગલ પણ વળી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે જાહેરનામાનો ભંગ કરવા બદલ દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.ત્યારે જોવું એ રહ્યુ કે તંત્ર દ્વારા આ અંગેની તપાસ કરીને દંડ કરવામાં આવશે કે પછી આ બ્રિજ કકડભૂષ ન થાય ત્યાં સુધી રાહ જોવાશે. ડાંગ જિલ્લાનાં બોરીગાવઠાનાં પ્રતિબંધિત પુલ પરથી રાત્રીનાં અરસામાં ભારે વાહનો ચાલુ જ રહેતા કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે તે અંગે પણ પ્રશ્નાર્થ સર્જાયા છે.ત્યારે તંત્ર આ અંગે યોગ્ય પગલા ભરે તે જરૂરી બની ગયુ છે…