
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વ સમસ્તમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજયભરમાં થનારી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અંદાજિત સવા કરોડથી વધુ લોકો ભાગ લઇ રહ્યા છે. ઉપરાંત ખેલ મહાકુંભમાં પણ ૭૮ હજાર જેટલા લોકોએ યોગ માટે રજિસ્ટ્રેશન કરાવીને તેમની જાગૃતિના દર્શન કરાવ્યા છે. તેમ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે આહવા ખાતે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૦૦ કલાકની ટ્રેનિંગ આપીને રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧ લાખથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૬૦ હજારથી વધુ સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી થઈ રહી છે. તેમ જણાવી શ્રી વિજયભાઈ પટેલે યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. આપણા શાસ્ત્રો, વેદો, ઉપનિષદો, અને પુરાણોમાં યોગનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે. તેમ પણ તેમણે ડાંગ સ્વરાજ આશ્રમના આંગણેથી જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાજ્ય સરકાર દ્વારા યોગનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર થાય, અને લોકોમાં જાગૃતિ આવે તે માટે વર્ષ ૨૦૧૯માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સ ગુજરાતમાં યોગ કેન્દ્રો ચલાવી રહ્યા છે. જેને રાજ્ય સરકાર માનદ વેતન આપે છે. આમ ૫૦૦૦ જેટલા યોગ ટેનર્સને રાજ્ય સરકાર દ્વારા રોજગારી પણ આપવામાં આવી છે. તેમ પણ શ્રી પટેલે તેમના અધક્ષીય પ્રવચનમાં ઉમેર્યું હતું.
રાજ્યના પસંદગીના ૭૫ જેટલા આઇકોનીક સ્થળો પૈકીના એક એવા ડાંગ જિલ્લાના ઐતિહાસિક સ્થળ ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ ના આંગણે યોજાયેલા ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે યોજાયેલા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ઉજવણીના કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ભાજપા મહામંત્રી શ્રી હરિરામ સાવંત, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.જાદવ, પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારજનો, પદાધિકારીઓ, યોગચાર્યો, યોગ પ્રશિક્ષકો, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ધરાવતા નાગરિકો, પ્રજાજનો વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
યોગ પ્રોટોકોલ સાથે જિલ્લા કક્ષાના આહવા ખાતેના કાર્યક્રમમાં ૧૮૫૫ નાગરિકો જોડાયા હતા. જ્યારે સમગ્ર જિલ્લામાંથી ૯૨,૪૭૫ નાગરિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી યોગાભ્યાસમાં ભાગ લીધો :
કાર્યક્રમના ભાગરૂપે ઉપસ્થિત મહાનુભાવોએ સુરત ખાતે આયોજિત રાજયકક્ષાના કાર્યક્રમમાં પધારેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જીવંત કાર્યક્રમ સહિત, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિશ્રીનું લાઈવ ટેલિકાસ્ટ પણ નિહાળ્યું હતું.
મહાનુભાવોએ યોગ પ્રોટોકોલ અનુસાર વિવિધ આસનોમાં ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ઠ દેખાવ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મહાનુભાવોએ પ્રશસ્તિ પત્ર આપી સન્માન પણ કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ યોગ બોર્ડ, રમતગમત કચેરી, તથા સંબંધિત વિભાગોએ પરસ્પર સહકાર અને સંકલન સાથે જહેમત ઉઠાવી હતી.








