
નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સી.પી.આર. તાલીમ કેમ્પ યોજાયો
નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓના અંદાજે ૧૮૦૦ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ મેળવી
જુનેદ ખત્રી : રાજપીપલા
નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપળાની જીએમઆરઈએસ મેડિકલ કોલેજ એટેચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમનો પ્રારંભ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન પ્રથમ તબક્કામાં ૧૮૦૦ શિક્ષકોને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વર્તમાન સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી અને ખોરાકની આદતોને કારણે હૃદયને લગતી સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR વિષે નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ થાય અને મુશ્કેલીના સમયમાં બીજા લોકોને મદદરૂપ થઈ શકે તેવા આશયથી આ રાજ્યવ્યાપી તાલીમ અભિયાન હાથ ધરાયું છે. ખાસ કરીને હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાના કિસ્સા હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, ત્યારે લોકોની મહામુલી જીંદગી બચાવવા શિક્ષકો પણ મદદરૂપ બને તે માટે આ તાલીમ આપવામાં આવી રહી છે. આવનાર સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ વધવા સૌને અનુરોધ કર્યો હતો. 









