જાતવાન અશ્વો સહિત દેશની સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસપ્રથમવાર શ્રેષ્ઠ કાંકરેજી ગાયો, વાછરડા અને નંદીઓ વચ્ચે પણ સ્પર્ધા યોજાશે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાતના સૌથી મોટા અશ્વ મેળાનું આયોજન આગામી 4 થી 8 માર્ચ દરમ્યાન કરવામાં આવ્યું છે જેમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી જાતવાન અશ્વો મેળામાં ભાગ લેશે તેમજ અશ્વોની વિવિધ હરીફાઈ અને કરતબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.છેલ્લા 13 વર્ષથી જસરા ખાતે બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા દર વર્ષે મહા શિવરાત્રી દરમ્યાન અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ પાંચ દિવસીય અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં અશ્વની સાથે સાથે ઊંટની હરીફાઈ યોજાશે તેમજ પોલીસ વિભાગના ડોગ અને અશ્વ શો પણ જોવા મળશે.મેળામાં આવતા લોકો માટે ખાણી પીણી અને મોજ શોખ માટે પાંચ દિવસ દરમ્યાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બુઢેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી દેશની સંસ્કૃતિને ઉજાગર કરવા શ્રી અદ્રૈત સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત બુઢેશ્વર મેળા સમિતિ દ્વારા મેગા અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ, કેસર માનવતા અને શ્રી ગૌધામ મહાતીર્થ પથમેડા દ્વારા પ્રથમવાર કાંકરેજી નસ્લની વેદલક્ષણા “રામા” ગૌમાતા પ્રતિયોગિતા યોજાશે. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કેસર માનવતાના ચેરમેન રાજુભાઇ ડી. જોષીની પ્રેરણાથી આ વરસે પ્રથમવાર જિલ્લાની ઓળખ સમાન કાંકરેજી ગૌ માતાની નસ્લને વૈશ્વિક ફલક ઉપર લઇ જવા માટે કાંકરેજી ગાયની મંગલ પ્રતિયોગિતા પણ યોજાઇ રહી છે.જ્યોતિષ્પીઠાધિશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદઃ સરસ્વતિ મહારાજ 1008 દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા (રામા) જાહેર કરાવવા માટે ચાલી રહેલા દેશવ્યાપી અભિયાનનો પણ આ એક ભાગ છે.










