
- વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લા ભાજપા સંગઠનમાં રાજીનામાનો શીલ શિલો યથાવત રહેવાની સાથે આજરોજ વધુ 8 જેટલા આગેવાનોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં શિક્ષણ વિભાગ,આત્મા,ખેતીવાડી સહિત ટી.એસ.પી વિભાગોમાં કરોડો રૂપિયાનો થયેલ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવાનો પ્રયાસ કરનાર ડાંગ જિલ્લા ભાજપ સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવારે થોડા દિવસ પૂર્વે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સંબોધીને સ્વૈચ્છિક રાજીનામુ ધરી દેતા ડાંગ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.ખરેખર તો ડાંગ જિલ્લા ભાજપા પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવારને ભ્રષ્ટાચારની ભવાઈનાં નાટકનાં પગલે રાજીનામુ ધરવાની ફરજ પડી હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.ડાંગ જિલ્લા ભાજપ પાર્ટી પ્રમુખનાં રાજીનામુ બાદ ગતરોજ આહવા તાલુકા મંડળનાં પ્રમુખ સંજયભાઈ વ્યવહારે,ભાજપા લઘુમતી મોરચાનાં મહામંત્રી આસીફ શાહ,અનુસૂચિત જાતિ મોરચાનાં પ્રમુખ પ્રવીણભાઈ અહિરે, મહામંત્રી બાળુભાઈ ગવળીએ પણ સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા હતા.ડાંગ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં સ્વૈચ્છિક રાજીનામુ આપવાનો શીલ શિલો યથાવત જોવા મળી રહ્યો છે.આજરોજ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંગઠનનાં વધુ આઠ હોદેદારોએ સ્વૈચ્છિક રાજીનામા ધરી દીધા છે. આજરોજ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનાં આહવા મંડળનાં લઘુમતી મોરચાનાં મહામંત્રી અમીનભાઈ એમ.શાહ,ડાંગ આદિજાતિ મોરચાનાં પ્રમુખ નરેશભાઈ ગવળી,ડાંગ અનુ.મોરચાનાં ઉપપ્રમુખ રાહુલભાઈ બચ્છાવ,ડાંગ જિલ્લા મહિલા મોરચાનાં ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ,આહવા તાલુકાનાં મહિલા મોરચાનાં પ્રમુખ રેખાબેન પટેલ,ડાંગ જિલ્લા અનુજાતી મોરચાનાં પ્રમુખ હેમંતભાઈ આર.ખરે,વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજયભાઈ પાટીલ તથા ડાંગ જિલ્લાનાં અનુજાતિ મોરચાનાં ઉપપ્રમુખ તુષારભાઈ ખરે જેવા હોદેદારોએ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સંબોધીને સ્વૈચ્છિક રાજીનામા ધરી દેતા રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લામાં ભ્રષ્ટાચારની ભવાઈમાં રોજેરોજ રાજીનામાનો દોર વધતા ભાજપા માટે આકરી પરિસ્થિતિનાં એંધાણ જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લામાં ભાજપા પાર્ટી સંગઠનનાં પ્રમુખ દશરથભાઈ પવારનાં રાજીનામા બાદ તેઓનાં સમર્થનમાં પાર્ટીનાં એક પછી એક મળીને હોદેદારો સ્વૈચ્છિક રાજીનામા ધરી રહ્યા છે.પરંતુ કેન્દ્ર અને રાજ્યની શિસ્ત અને કેડરબેઝ પાર્ટીનાં અનુશાસનમાં હાલમાં ડાંગ ભાજપા પાર્ટીમાં રાજીનામાનો દોર વધ્યો હોવા છતાંય મોટા આગેવાનો તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપનું સૂત્ર જાળવી તમાશો જોઈ રહ્યા છે.ત્યારે આવનાર સમયમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્વૈચ્છિક રાજીનામા ધરી દેનાર હોદેદારો સામે કોઈ પગલા ભરશે કે પછી ડાંગ જિલ્લાનું સમગ્ર સંગઠન જ બદલી કાઢશે તે સમય જ બતાવશે…