જૂનાગઢમાં ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ અને ‘માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ’ યોજાયો

મહાનુભાવોના હસ્તે દીકરીઓના નામની નેમપ્લેટ, દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ‘રાષ્ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ અને ‘માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ’ યોજાયો હતો.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે જણાવ્યું કે, દીકરીઓ પ્રત્યેની બહુ મોટી જવાબદારી આપણા પર છે. સામાજિક રીતે હજુ પણ ગ્રામ્ય સમાજમાં ખૂબ ઓછી જાગૃતિ જોવા મળે છે. જિલ્લા પંચાયતો દ્વારા ગાંમડાની અંદર સર્વાંગી વિકાસ થાય, સ્વચ્છતા તેમજ લોકોનું આરોગ્ય જળવાઈ રહે, તેવા હેતુસર ખૂબ ઉત્તમ પ્રવૃત્તિ કરવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ વધે તે માટે આંગણવાડીના બહેનો દ્વારા અનેક કામગીરી થઈ રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન બહેનોને કયા પ્રકારના ખોરાક અને આહાર લેવા જોઈએ અને શરીરમાં પોષક તત્વો જળવાઈ રહે એ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે આહાર અને પોષણનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે અને તૃણધાન્ય વાનગીઓ બનાવીને વિતરણ કરવામાં આવે છે. આ રીતે આંગણવાડીના બહેનો ખૂબ મોટી જવાબદારી નિભાવે છે. આમ કહી ઉત્તમ કામગીરી બદલ પ્રમુખએ આંગણવાડીના તમામ બહેનોને હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રીતે દીકરીઓના નામની નેમપ્લેટ, દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરાયા હતાં. ઉપરાંત ‘યશોદા એવોર્ડ’ અંતર્ગત વિવિધ તાલુકાઓની આંગણવાડીના જુદા-જુદા ઘટકના વર્કર, હેલ્પર તેમજ મુખ્ય સેવિકા એમ કુલ મળી ૨૦થી વધુ આંગણવાડીના બહેનોને ઉત્તમ કામગીરી બદલ કુલ ૪,૫૦,૦૦૦થી વધુ રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
જ્યારે ‘તેજસ્વીની જિલ્લા પંચાયત’ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની કાર્યપદ્ધતિથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય એ રીતે બાલિકા પંચાયત પ્રમુખ અસ્મિતાબહેન મોરડિયા તેમજ અન્ય સભ્યોની જિલ્લા પંચાયતની સામાન્ય સભા દ્વારા પ્રજા તાંત્રિક મૂલ્યો અંગે સશક્તિકરણ, જન્મ અને શિક્ષણ આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક્ક અને અધિકાર, સામાજિક દુષણો વગેરે જેવા મુદ્દાઓને આવરી લઈ વિદ્યાર્થીનીઓની કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારી ડોક્ટર સી.ડી. ભાંભીએ કર્યુ હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, દહેજ પ્રતિબંધક અધિકારી બી.ડી.ભાંડ,
તેજસ્વીની જિલ્લા ચેમ્પિયન જેઠવા નિમિષા રાજેશભાઇ સહિત વિવિધ આંગણવાડીના સીડીપીઓ, તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.





