
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત દીપદર્શન શાળામાં જુનિયર કેજીનાં માસૂમ બાળકને ઢોર માર મારવાની ઘટનાને લઈને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારીને 20 દિવસમાં અહેવાલ રજૂ કરવાની નોટીશ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે…
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલી પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમની શાળામાં આજથી 4 માસ અગાઉ શિક્ષિકા દ્વારા માસૂમ બાળકને ઢોર માર માર્યો હતો.ડાંગ જિલ્લાની દીપદર્શન ઈંગ્લીશ મીડીયમ શાળામાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતો સમર્થકુમાર અરૂણ સોનવણે (ઉ.5 રહે. આહવા) ને શાળાનાં શિક્ષિકાએ અંગ્રેજી વિષયની પરીક્ષામાં ધીમુ લખવા બાબતે ઢોર માર મારતા માસૂમ બાળકનાં શરીરે લાલ લીસોટા પડી ગયા હતા.જેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થતા સૌ કોઈ દ્રવી ઉઠ્યા હતા.આ માસૂમ બાળકે ઘરે આવી માતાને આ વાતની જાણ કરતા માતા પિતા શાળામાં દોડી ગયા હતા. જે બાદ તા.08/04/2023 ના રોજ બાપુ માહલા રે.નડગખાદી તા.આહવાનાં આગેવાને માનવ અધિકાર ઉલંઘનનાં આક્ષેપને લગતી પિટિશન ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ખાતે દાખલ કરવામાં આવી હતી.જે અન્વયે તા.21/07/2023 ના રોજ માનવ અધિકાર આયોગ દ્વારા ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે તેમણે કરેલ કાર્યવાહીનો વિગતવાર અહેવાલ 20 દિવસમાં રજૂ કરવા માટે નોટીશ આપવામાં આવેલ છે.માનવ અધિકાર આયોગએ નોટીશમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સમય મર્યાદામાં અહેવાલ મોકલવામાં ન આવે તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.વધુમાં સદર બાબતમાં તાબાનાં અધિકારીનાં અહેવાલની નકલ મોકલવાના બદલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનાં સહીથી સ્પષ્ટ અભિપ્રાય સહિતનો પ્રશ્ન હેઠળની બાબતે સર્વગાહી અહેવાલ માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે..





