AHAVADANG

આહવા ખાતે યોજાઇ ડાંગ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ : વિકાસકામો બાકી રહી જાય અને અનુદાન પરત જાય એવી પરિસ્થિતી સાંખી નહીં લેવાય પ્રભારી મંત્રી કુવરજીભાઇ હળપતિ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લા આયોજન મંડલની બેઠકમાં સને ૨૦૨૩/૨૪ના નવા આયોજન સાથે અગાઉના વર્ષોના કામોની સમીક્ષા હાથ ધરાઇ રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના સો દિવસના લક્ષ નિર્ધાર્ણાના અભિગમ મુજબ, વિકાસના તમામ કામોનું જીઓ ટેગિંગ સમયસર અને ફરજિયાતપણે થાય તે સુનિશ્ચિત કરવાની હિમાયત, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ કરી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી-વ-આદિજાતિ, શ્રમ રોજગાર, અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ વિકાસ કામોની બચત રકમ બાબતે સંબંધિત અમલીકરણ અધિકારીઓની જવાબદેહી નક્કી કરવા સાથે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પણ તાકીદ કરી હતી. વિકાસકામો બાકી રહી જતાં હોય, અને અનુદાન પરત કરવાની નોબત ઊભી થાય તે પરિસ્થિતી સાંખી નહીં લેવાય તેમ પણ મંત્રીશ્રીએ સ્પસ્ટપણે જણાવ્યુ હતું.
દરમિયાન સને ૨૦૨૨/૨૩ની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ રાખવા સાથે, ગત એપ્રિલ ૨૦૨૨ની બેઠકની કાર્યવાહીની અમલવારી, સહિત સને ૨૦૨૩/૨૪ના વર્ષના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઇઓના આયોજનની સમિક્ષા અને તે મંજૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જે મુજબ ૧૫ ટકા વિવિકાધીન જોગવાઈના કામો, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમનું જિલ્લા કક્ષાનું આયોજન, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના સને ૨૦૧૯/૨૦ થી સને ૨૦૨૨/૨૩ના કામોની સમિક્ષા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તથા એ.ટી.વી.ટી. યોજનાના ફેરદરખાસ્તના કામોની વિસ્તૃત સમિક્ષા હાથ ધરવામાં આવી હતી.
વિકાસ કામો સમય મર્યાદામાં પૂર્ણ નહીં કરતાં અમલીકરણ અધિકારીઓ કે એજંસીઓની ઢીલાસ કે ઉદાસીનતા સાંખી નહીં લેવાય તેમ જણાવતા મંત્રિશ્રીએ સ્થાનિક વિકાસકામોમાં અવરોધ ઊભો કરતાં ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી, જરૂર પડ્યે પોલીસ પ્રોટેકશન સાથે આવા કાર્યો પૂર્ણ કરવાની સૂચના આપી હતી. મંત્રીશ્રીએ જિલ્લાના અમલીકરણ અધિકારો પૂર્ણ તૈયારી સાથે બેઠકમાં હાજર રહે તે આવશ્યક છે તેમ પણ સ્પસ્ટપણે જણાવ્યુ હતું.
અમલીકરણ અધિકારઓ સહિત સ્થાનિક પદાધિકારીઓને પણ નિયમિત રીતે ફિલ્ડ વિઝિટ કરવાની સૂચના આપતા પ્રભારી મંત્રી શ્રી કુવરજીભાઇ હળપતિએ, અહેવાલોમાં ‘પ્રગતિ’ શબ્દ ન લખતા ખરેખર થયેલા કામોની ‘ટકાવારી’ દર્શાવી કામો પૂર્ણ થવાની સમય મર્યાદા દર્શાવવાની પણ સૂચના આપી હતી. જુદી જુદી યોજનાઓ, કાર્યક્રમોમાં બેવડાતા કામો, રદ કરવાપાત્ર કામો, ભાવફેરને કારણે શરૂ ન થયેલા કામો બાબતે સ્થાનિક પદાધિકારીઓ સાથે સમિક્ષા હાથ ધરી, અમલીકરણ અધિકારીઓ વિવિકબુદ્ધિ અનુસાર નિર્ણય લઈને, પ્રજાકીય જરૂરિયાતના કામો પૂર્ણ કરે તે બાબતે પણ મંત્રીશ્રીએ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આહવા ખાતે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ઉચ્ચકક્ષાની બેઠકમાં અધૂરી, અપૂરતી, કે જાણકારી વિના બેઠકમાં ઉપસ્થિત રહેતા અમલીકરણ અધિકારીઓને પૂરતી તૈયારીઓ સાથે હજાર રહેવાની સૂચના આપી હતી. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે પણ સ્થાનિક વિકાસકામો બાબતે પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામો પૂર્ણ કરવાની હિમાયત કરી હતી.
જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ જિલ્લા વહીવટી તંત્ર વતી પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત કરી અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. જિલ્લા આયોજન અધિકારી શ્રી ડી.એન.પટેલે બેઠકની કાર્યવાહી સંભાળી હતી.
જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રિશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા આયોજન મંડળના રાજ્ય સરકારના નિરીક્ષક તરીકે નિયુક્ત શ્રી શૈલેષભાઈ લેઉવા, જિલ્લા આયોજન મંડળના સભ્યો, અમલીકરણ અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button