આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગરમાં સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની 53 મી પુણ્યતિથિ તેમજ અમૃત મહોત્સવ-2023 અંતર્ગત ત્રિવેણી કાર્યક્રમ યોજાયો


1 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલમાં તા-30 સપ્ટેમ્બર 23 ના રોજ સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની 53 મી પુણ્યતિથિ તેમજ અમૃત મહોત્સવ-2023 અંતર્ગત સ્વ. માનસિંહભાઈ પૃ.પટેલ સ્મરણાંજલિ કાર્યક્રમ, બ્લડ ડોનેશન કેમ્પ અને સંસ્થાના પ્રમુખશ્રીઓની તસ્વીર અનાવરણ કાર્યક્રમ, આમ ત્રિવેણી કાર્યક્રમ યોજાયા.આ કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ તરીકે માન.શ્રી પરબતભાઈ પટેલ-થરાદ (સંસદ સભ્ય-બનાસકાંઠા) મુખ્ય મહેમાન તરીકે માન.શ્રી બાબુભાઈ જે. દેસાઈ-મકતુપુર (સંસદ સભ્ય-રાજ્યસભા) માન.શ્રી કનુભાઈ ચૌધરી-દગાવાડીયા (બિલ્ડર, પ્રમુખ ગ્રુપ,ગાંધીનગર તથા ડિરેક્ટરશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા) અન્ય મહેમાનશ્રી દશરથભાઈ જોશી અને કમલેશભાઈ પટેલ (ડિરેક્ટરશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા) મોઘજીભાઈ ચૌધરી (પૂર્વ. વાઈસ ચેરમેનશ્રી, દૂધસાગર ડેરી,મહેસાણા), શ્રીમતી દુર્ગાબેન ચૌધરી-બાયડ (કૃષિ એવોર્ડ વિજેતા), શ્રી અમથાભાઈ ચૌધરી (પૂર્વચેરમેનશ્રી,એ.પી.એમ.સી.રાધનપુર, શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠિશ્રીઓ દાતાશ્રીઓ, યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સૌ પ્રથમ મહાનુભાવોએ ઉત્તર ગુજરાતના શ્વેત ક્રાંતિના પ્રણેતા તથા મહેસાણા જિલ્લાને આગવી ઓળખ અપાવનાર દૂધ સાગર ડેરીના આદ્યસ્થાપક અને આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના આર્ષદ્રષ્ટા એવા પૂજ્ય સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પી હતી.ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા સમાજના આગેવાનો અને વડીલો સ્વ. માનસિંહભાઈ પૃ.પટેલ પ્રાર્થના હોલમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા હતા. જ્યાં કાર્યક્રમની શરૂઆત શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિતમહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી પરિચય શ્રી વિઠ્ઠલભાઈ વી. ચૌધરી (મંત્રીશ્રી, અ.આં.કે.મંડળ, વિસનગર) એ આપ્યો હતો. તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના હોદ્દેદારશ્રીઓ દ્વારા મહાનુભાવોનું બુકે અને સાલ તથા મોમેન્ટ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.પધારેલમહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે સંસ્થાની સ્થાપનાથી આજ દિન સુધી સંસ્થાના સુકાની તરીકે સેવા આપનાર પ્રમુખશ્રીઓની તસ્વીરોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની રીપલબેન નાગર દ્વારા “ધૂણી રે ધખાવી એવી અમે તારા નામની” ભજન રજૂ કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીએ સ્વ.માનસિંહભાઈ પૃ.પટેલના જીવન-કવન વિશે પ્રાસંગિક પ્રવચન આપીને સૌને અભિભૂત કર્યા હતા.શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વ. માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરીને દૂધસાગર ડેરી તથા આદર્શ શૈક્ષણિક સંકુલની સ્થાપના માટે તેમની દીર્ઘદ્રષ્ટિને યાદ કરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી. તથા અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ શૈક્ષણિક સંકુલમાં નવીન નિર્માણ થનાર ભવનો માટે દાન આપવા સમાજના અગ્રણીઓ અને દાતાશ્રીઓને પ્રેરણાદાયી પ્રવચન આપી દાન આપનાર દાતાશ્રીઓનો આભાર માન્યો હતો. શ્રીમતી દુર્ગાબેન ચૌધરી (બાયડ) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં સ્વ. માનસિંહભાઈના જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.આજના સમારંભના મુખ્ય મહેમાન તરીકે પધારેલ શ્રી કનુભાઈ ચૌધરી (બિલ્ડર, પ્રમુખ ગ્રુપ, ગાંધીનગર તથા ડિરેક્ટરશ્રી, દૂધસાગર ડેરી, મહેસાણા) એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં એશિયા ખંડમાં દૂધસાગર ડેરી, મહેસાણાની ઓળખ ઊભી કરનાર અને શ્વેત ક્રાંતિ થકી ગામડાઓને આત્મનિર્ભર બનાવનાર તથા ખેડૂતોના અને પશુપાલકોના જીવનને સમૃદ્ધ કરનાર એવા સ્વ.માનસિંહભાઈ પટેલને શત.. શત.. નમન કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે “દાતાની દાતારી છુપાતી નથી” એ ઉક્તિને સાર્થક કરતા આદર્શ શૈક્ષણિક સંકુલમાં નિર્માણ પામનાર નવીન ભવનો માટે શ્રી કનુભાઈ ચૌધરીએ ₹2,25,25,525/- જેટલી માતબર રકમનું દાન કર્યું હતું. જે બદલ સમાજના ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી અભિનંદન પાઠવ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે પધારેલ શ્રી બાબુભાઈ જે. દેસાઈ (સંસદ સભ્ય-રાજ્યસભા) એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ખેડૂતો અને પશુપાલકોની વેદનાને પ્રેરણા આપી દૂધસાગર ડેરીની સ્થાપના કરી સમગ્ર માનવ સમાજ માટે પવિત્ર કાર્ય કરનાર એવા સ્વ. માનસિંહભાઈના ઉદાર, પરોપકારી અને પ્રેરણાદાયી જીવનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે સાથે ભામાશાના હુલામણા નામથી ઓળખાતા શ્રી બાબુભાઈ જે. દેસાઈએ આદર્શ શૈક્ષણિક સંકુલના વિકાસ માટે તેમના ધર્મપત્ની સ્વ.અંબાબેન બાબુભાઈ દેસાઈના નામે ₹11,11,111/- રકમનું દાન પણકરેલ. સમારંભના અધ્યક્ષ તરીકે પધારેલ શ્રી પરબતભાઈ પટેલ (સંસદ સભ્ય-લોકસભા, બનાસકાંઠા) એ પોતાના પ્રસંગિક પ્રવચનમાં સ્વ. માનસિંહભાઈના પ્રેરણાદાયી જીવનને યાદ કરી તથા બનાસ ડેરીની સ્થાપના અને વિકાસ માટે ગલબાભાઈને આપેલ સહયોગને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સાથે આજના સમયમાં શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી પ્રવચન આપીને સંસ્થાના વિકાસ માટે ₹1,11,111/- રકમનું દાન કર્યું હતું.









