કોટડાસાંગાણી તાલુકાની ૮૯ આંગણવાડીના ૨૧૦૦ બાળકોને મ્યુઝિક અને ડાન્સના સથવારે અપાઇ રહયુ છે પૂર્વ પ્રાથમિક શિક્ષણ

તા.૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
તાલુકા પંચાયતના સહયોગથી ૮૯ આંગણવાડીઓે બ્લુ ટુથ સ્પીકરથી ભૂલકાઓને આધુનિક ટેકનોલોજીનો મળ્યો સથવારો
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ૮૯ આંગણવાડીના ૨૦૦૦ જેટલા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટે તમામ ૮૯ આંગણવાડીઓેને તાલુકા પંચાયતના સહયોગથી બ્લુ ટુથ સ્પીકર અર્પણ કરાયા છે. જેના સહારે આંગણવાડી સંચાલક દ્વારા સ્ટેટ લેવલથી નક્કી થયેલ જુદા જુદા થીમેટિક અભ્યાસક્રમને અનુરૂપ બાળકો બાળગીત, બાળવાર્તા કે ફ્રી ડાન્સ કરી શકે તે માટે મ્યુઝિક અને ડાન્સના સથવારે બાળકોને આધુનિક રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાઇ રહયુ છે. હવે બ્લુ ટુથ સ્પીકરના લીધે બાળ ગીત, બાળ વાર્તા, ફ્રી ડાન્સ જેવી પ્રવૃત્તિઓ ઓડિયો દ્વારા વધુ અસરકારક રીતે કરાવી શકાશે. તેમ કોટડા સાંગાણી તાલુકાના સી.ડી.પી.ઓ.શ્રી પૂજાબેન જોશીએ જણાવ્યુ હતું.

ગુજરાત રાજ્યમાં બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે પહેલાં તેના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાના હેતુ સાથે જિલ્લાના દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી કેન્દ્રની યોજના અમલમાં મૂકાઈ છે. જેમાં ૩ વર્ષથી ઉપરની વયના બાળકો હોંશભેર દાખલ થાય અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે તે માટે આંગણવાડી કેન્દ્રોને આકર્ષિત બનાવવા હેતુસર આંગણવાડીઓમાં આધુનિક ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે. આંગણવાડીઓમાં શિક્ષણ ઉપરાંત બાળકોને પૂરક પોષક આહાર પણ આપવામાં આવી રહયો છે.

રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં વધુને વધુ બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટે આંગણવાડીઓ આકર્ષક બનાવવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની રાહબરી અને પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની ૫૦ આંગણવાડીઓનું “પ્રોજેક્ટ સોનેરી બાળપણ’’ હેઠળ નાના બાળકોને રૂચિ જગાવે તથા શીખવે તેવા ભીતચિત્રો તથા બેઝીક એ.બી.સી.ડી., ક.ખ.ગ. સોએકડા, પશુ પંખીના નામ, રંગોની સમજ આપે તેવી થીમ આધારિત કલરકામ કરાયું છે.









