
વોશિંગ્ટન, તા.08 સપ્ટેમ્બર-2023, શુક્રવાર
મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસવાટ કરી શકે તે માટે તમામ દેશોની સ્પેસ એજન્સીઓ સહિત વૈજ્ઞાનિકો ભરપુર પ્રયાસો કરી રહ્યા છે. ભારતીય સ્પેસ એજન્સી ISRO, અમેરિકી સ્પેસ એજન્સી NASA તેમજ અબજોપતિ એલન માસ્ક પણ મંગળ પર માનવ લઈ જવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જોકે મંગળ ગ્રહ પર ઓક્સિજન નથી… એટલે કે ત્યાં માનવ વસતી જીવી શકતી નથી… ત્યારે હવે એવા અહેવાલો મળી રહ્યા છે કે, મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે આગામી સમયમાં મંગળ ગ્રહ પણ માનવ વસ્તી પણ રહી શકશે. આ પડકારને પાર પાડવામાં નાસાએ સફળતા મેળવી લીધી છે.
નાસાએ તેના એક બ્લોકમાં જણાવ્યું છે કે, તેણે મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઓક્સીજન તૈયાર કરી લીધું છે… નાસાનું પરસિવરેંસ રોવર મંગળ ગ્રહ પણ ભ્રમણ કરી રહ્યું છે. નાસાએ જણાવ્યું કે, રોવર દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે એક પ્રયોગ કરવામાં આવ્યો, જે સંપૂર્ણ સફળ રહ્યો છે. આમ લાલ ગ્રહ પર ઓક્સીજન તૈયાર કરાયો છે. નાસાના આ સફળ પ્રયોગે મંગળ ગ્રહ પર માનવ વસવાટનો રસ્તો ખોલી દીધો છે.
અમેરિકી મૈસાચુસેટ્સ ઈન્ટીટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીએ માઈક્રોવેવ-ઓવન સાઈઝનું ડિવાઈસ બનાવ્યું… જેને MOXIE તરીકે ઓળખવામાં આવે છે… નાસાએ કહ્યું કે, મંગળ ગ્રહ પર રોવર સાથે MOXIE મોકલાયું હતું… આના દ્વારા જ મંગળ ગ્રહ પર મળી આવેલ કાર્બન ડાઈ-ઓક્સાઈડથી ઓક્સીજન તૈયાર કરવામાં આવ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, આનો પ્રયોગ કર્યા બાદ જાણવા મળ્યું કે, મંગળ ગ્રહના વાતાવરણમાં હાજર ડાઈ-ઓક્સાઈડને ઓક્સીજનમાં પરિવર્તિત કરી શકાય છે. આ સંશોધન આગામી મંગળ મિશનને વધુ સરળ બનાવી દેશે.