INTERNATIONAL

કેન્યામાં પૂરના કારણે તબાહી, પૂરમાં 267 લોકોના અત્યાર સુધી મૃત્યુ

કેન્યામાં પૂરના કારણે તબાહી સર્જાઈ છે. આફ્રિકન દેશની 47 કાઉન્ટીઓમાંથી 38 કાઉન્ટી પ્રભાવિત થયાના અહેવાલ મળી રહ્યા છે. સરકારના આંકડાઓ અનુસાર, આ વિનાશક પૂરમાં 267 લોકો અત્યાર સુધી મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 2,80,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. દરમિયાન ભારતે કેન્યાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને પુનર્વસન માટે 40 ટન રાહત સામગ્રી મોકલી છે. ઉલ્લેખનીય છે કે કેન્યામાં 80 હજારથી 100000 જેટલાં ભારતીયમૂળના લોકોની વસતી હોવાનુંં કહેવાય છે.
માલસામાનમાં 22 ટન રાહત સામગ્રી જેવી કે તંબુ, સ્લીપિંગ બેગ અને સાદડીઓ, ધાબળા, પાવર જનરેશન સેટ, ખાવા માટે તૈયાર ખોરાક, મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ અને સ્વચ્છતા કીટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 18 ટન મેડિકલ સહાય પણ કન્સાઈનમેન્ટમાં સામેલ છે. તેમાં ગંભીર સારસંભાળ અને લોકોની સારવાર માટે જરૂરી જીવનરક્ષક દવાઓ અને સર્જીકલ સાધનોનો સમાવેશ થાય છે. બેબી ફૂડ, પાણી શુદ્ધિકરણ, માસિક સ્રાવની સ્વચ્છતા અને મચ્છર નિવારક દવાઓ, મેલેરિયા અને ડેન્ગ્યુ નિદાન કીટ, ઝેર વિરોધી સારવાર અને વિવિધ પરીક્ષણ કીટ જેવી આવશ્યક વસ્તુઓનો પણ સમાવેશ થાય છે.

ટ્વિટર પર પોસ્ટ શેર કરતાં વિદેશમંત્રી એસ જયશંકરે લખ્યું કે, ‘કેન્યામાં પૂરથી પ્રભાવિત લોકોને મોકલવામાં આવેલા HADRના બીજા કન્સાઇનમેન્ટમાં 40 ટન દવાઓ, તબીબી પુરવઠો અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે. અમે ઐતિહાસિક ભાગીદારી અને વિશ્વ ભાઈચારા માટે ઊભા છીએ. કેન્યામાં ભારતના હાઈ કમિશનર નમગ્યા ખામ્પાએ કેબિનેટ સચિવ મર્સી વેન્ઝોઉને રાહત સામગ્રી સોંપી હતી. આ પહેલા પણ 10 મેના રોજ ભારતીય નૌકાદળના જહાજ સુમેધા દ્વારા રાહત સામગ્રી કેન્યા પહોંચાડવામાં આવી હતી.

ભારત દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્યાને મદદ એ દક્ષિણ આફ્રિકામાં સહયોગની ભાવના સાથે દેશ સાથેના મજબૂત અને મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક નવી પહેલ છે. ભારતે પૂરને કારણે થયેલા નુકસાન અને વિનાશ માટે કેન્યાની સરકાર અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button