
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિશ્વ આદિવાસી દિવસ એટલે વિશ્વભરમાં વસતા આદિવાસીઓ માટેનો અનોખો પર્વ,પરંપરાગત વેશભુષા અને વાજિંત્રોનાં તાલે ટીમલી ગીતનાં તાલે રેલીઓ યોજી વાતાવરણ ગુંજાવ્યુ…
પ્રાપ્ત વિગતો અનુસાર 9મી ઓગષ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કેમ કરીને ભુલાઈ જાય,દક્ષિણ ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં 90 ટકા આદિવાસી સમાજની વસ્તી જોવા મળે છે.ડાંગ જિલ્લાનાં આદિવાસી સમાજની રહેણીકરણી,બોલી,અને પરંપરાઓ અનોખી જોવા મળે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં આહવા,વઘઇ અને સુબિર ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરી હતી.વઘઇ નગરનાં રાજેન્દ્રપુર ખાતે આવેલા બિરસામુંડા મેદાન પર આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સુબિર ખાતે નવજ્યોત નજીકનાં ગ્રાઉન્ડ પર અને આહવા ખાતે પણ આદિવાસી સમાજનાં ભાઈઓ, બહેનો,બાળકો અને વૃદ્ધો દ્વારા પારંપરિક વાજિંત્રોનાં તાલે નાચી કૂદી રેલી કાઢ્યા બાદ સભા યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સંયુક્ત રાષ્ટ્રસંઘની ઘોષણા અનુસાર દર વર્ષે 9 મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે. વર્તમાન સમયમાં અનુસૂચિત જન જાતિની ઓળખ અને તેમના હક્કો માટે સંઘર્ષ ચાલી રહ્યો છે.ત્યારે આદિવાસી દિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર ડાંગ જિલ્લામાં આદિવાસી બંધુઓએ પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઇને નૃત્ય ગાન,વાજિંત્રોની સુરાવલીઓ સાથે રેલીઓ કાઢી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોડાયા હતા.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે સમાજનાં લોકોએ મન ભરીને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા જય જોહાર, જય આદિવાસીના નારા લગાવી વાતાવરણને ગુંજાવ્યુ હતુ.આ કાર્યક્રમને સફળ બનાવવા આદિવાસી સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ વઘઇના પ્રમુખ રિતેશ પટેલ તથા વિજય થોરાટ, ડૉ.ભગુભાઈ રાઉત, વિનય પટેલ, તાનાજી પવાર, જિજ્ઞેશ પટેલ, રાજેન્દ્રપુર યુવક મંડળ, ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ, સહકાર ગૃપ, યુવક મંડળ જામલાપાડાનો મહત્વનો ફાળો રહ્યો હતો.જ્યારે સુબિર ખાતે સુનિલભાઈ ગામીત,મોતીલાલભાઈ ચૌધરી અને આહવા ખાતે મહેશભાઈ આહિરે, યોગેશભાઈ ભોયેનાઓએ અહમ ભૂમિકા ભજવી હતી..





