
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -નવસારી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નવસારીમાં કાર્યરત સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તાર માંથી ઘન કચરાના કલેકશન માટે ૧૧ ઇ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે. સદરહું ૧૧ ઇ-રીક્ષાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરના વરદે હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા અને નિયામકશ્રી એમ.એસ.ગઢવી વિશેષ ઉપસ્થિત રહયા હતા.
ગામોમાં સૂકો કચરો અને ભીંનો કચરો અલગ અલગ એકત્રિત કરવાના હેતુસર ફાળવેલ ઇ-રીક્ષાઓ ગણદેવી તાલુકામાં માણેકપોર, વાડી અને વેગામ ગ્રામ પંચાયતને , ચીખલી તાલુકામાં ફડવેલ, રાનવેરીકલ્લા અને આલીપોર ગ્રામ પંચાયતોને , વાંસદા તાલુકામાં ખાંટાઆંબા, બેડમાળ, અને કાવડેજ ગ્રામ પંચાયતને તેમજ જલાલપોર તાલુકામાં હાંસાપોર ગ્રામ પંચાયતને અને નવસારી તાલુકામાં પડઘા ગામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા ફાળવવામાં આવી છે. આ પ્રસંગે ૧૧ ગામ પંચાયતના સરપંચશ્રીઓ , તલાટીશ્રીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





