AHAVADANG

ડાંગ: પ્રેસ કોન્ફ્રાન્સમાં કલેક્ટરશ્રી સહિતના ઉચ્ચાધિકારીઓએ યોગના પ્રચાર પ્રસારમાં મીડિયાની ભૂમિકાને આવકારી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

૯મા ‘વિશ્વ યોગ દિવસ’ તા.૨૧મી જુનને અનુલક્ષીને ડાંગ જિલ્લા પ્રશાસને મીડિયાકર્મીઓની ભૂમિકાને આવકારી, પ્રજાજનોમાં યોગ પ્રત્યે લોકચેતના જગાવી, સ્વાસ્થ્યપ્રદ સમાજના નિર્માણમાં મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વની છે તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોગ બોર્ડ અને જિલ્લા રમતગમત કચેરીના ઉપક્રમે યોજાયેલી ‘પ્રેસ મીટ’ ને સંબોધતા કલેકટર શ્રી મહેશ પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા પાછળનો ઉદેશ પ્રજાજનોને યોગથી થતા ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે તેમ કહ્યું હતું.

યોગ એ આપણા પ્રાચીન ઋષિ મુનીઓ દ્વારા માનવજાતને મળેલી એક સુંદર ભેટ છે. યોગ આપણને સાચી રીતે જીવન જીવવાની કળા શીખવે છે. તેમ જણાવી કલેક્ટરશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પરિણામે આજે દુનિયાભરના ૧૭૦ થી વધુ દેશોમાં G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખી “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે આંતરરાષ્ટ્ર્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે તેમ ઉમેર્યું હતું.

યોગ એ વિશ્વભરમાં ફેલાયેલી કોરોના, કેન્સર, ડાયાબીટીશ, હાઈ બી.પી જેવી પડકારજનક બીમારીને નાથવામાં સક્ષમ છે. આપણા મનને કાબુમાં લાવવાનો તેમજ શરીરની રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખવાનો એકમાત્ર ઉપાય યોગ છે. તેમ જણાવતા યોગ અને ધ્યાન દ્વારા મનને કેદ્રીત કરવાની શક્તિ વધારી શકાય છે. એટલે જ શાળાઓમાં બાળકોને યોગનો નિયમિત અભ્યાસ કરવા સમજાવવામાં આવે છે તેમ પણ વધુમાં કહ્યું હતું.

ડાંગ જિલ્લામાં તાલુકા અને જિલ્લા ક્ક્ષાએ યોજવામાં આવનાર કાર્યક્રમની રુપરેખ આપતા કલેકટર શ્રી પટેલે જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે ગુજરાતના પસંદગીના ૭૫ જેટલા આઇકોનિક સ્થળો પૈકીના ડાંગ સ્વરાજ આશ્રમ-આહવા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ માટે વઘઈ ખાતે ખેતીવાડી માધ્યમિક શાળા, અને સુબીર ખાતે નવજયોત હાઇસ્કૂલનું સ્થળ નક્કી કરાયું છે તેમ જણાવ્યું હતું.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ ની જનમેદની, અને તાલુકા કક્ષા દીઠ ૩૦૦ થી ૫૦૦ ની મેદની ઉપસ્થિત રહે તેવું આયોજન છે વિચારાયું છે તેમ કહેતા કલેક્ટરશ્રીએ, બિપરજોય વાવાઝોડું આવ્યું, અને ગયું. સદનસીબે આપણે ત્યાં એની કોઈ અસર વર્તાઈ નથી. પરંતુ તેની સાઈડ ઇફેક્ટને કારણે રાજ્યમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિને અનુલક્ષીને કેટલાક આકસ્મિક ફેરફારો સાથે આપણે આ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કર્યું છે તેમ પણ ઉમેર્યું હતું.

તા.૨૧મીના જિલ્લા તથા તાલુકા કક્ષાના કાર્યક્રમોના સ્થળો ઉપર વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના યોગ દિવસનું ઉદબોધન નિહાળવા માટે, એલ.ઇ.ડી.ની પણ વ્યવસ્થા કરવાનું આયોજન છે તેમ જણાવતા કલેક્ટરશ્રીએ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાની વિવિધ કચેરીઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પેટા આરોગ્ય કેન્દ્ર, જેલ, જિલ્લા પોલીસ હેડ કવાર્ટર, પોલીસ સ્ટેશન, શાળા, કોલેજ, આઇ.ટી.આઇ, પોલિટેકનિક, કૃષિ કોલેજ, નર્સિંગ કોલેજ જેવા સ્થળો ઉપર પણ શ્રેણીબદ્ધ યોગ નિદર્શનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તેમ કહ્યું હતું.

દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ કાર્યક્રમ સંબંધિત પૂરક વિગતો રજૂ કરી મીડિયાકર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો.

નાયબ વન સંરક્ષકો સર્વશ્રી રવિ પ્રસાદ તથા દિનેશ રબારી, યોગ બોર્ડ, રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અને જિલ્લા રમતગમત કચેરીના અધિકારીઓ, માહિતી વિભાગ અને મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. મીડિયાકર્મીઓએ પ્રશ્નોત્તરીના માધ્યમથી પૂરક વિગતો મેળવી હતી.

આહવા ખાતે યોજાયેલી ‘પ્રેસ મીટ’ દરમિયાન પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ ‘યોગ’ને પોતાની જીવનશૈલીમાં નિયમિત રીતે સ્થાન આપતા, વર્ષ ૨૦૧૦માં જ્યારે તેમનું વજન ૯૨ કિલોગ્રામ હતું, તે છેલ્લા તેર વર્ષથી ૭૨/૭૩ સુધી જળવાઈ રહ્યું છે તેમ યોગના ફાયદા વર્ણવતા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button