
નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો પ્રારંભ કરાવ્યો
આધુનિક રથ ૨૨૨ ગ્રામ પંચાયત અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરીને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓની માહિતી અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રસરાવશે
રાજપીપલા : જુનેદ ખત્રી

૧૫ મી નવેમ્બર ‘જનજાતિય ગૌરવ દિવસ’ થી શરૂ થયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો નાંદોદ તાલુકાની પ્રાથમિક શાળા વડિયાના પટાંગણમાં પ્રારંભ કરાવતા ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને ફ્લેગશીપ યોજનાના લાભો મળશે. ઉપરાંત પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને પણ આ યાત્રા હેઠળ આવરી લેવાશે. ગુજરાતના ૩૩ જિલ્લાઓ પૈકી માત્ર નર્મદા જિલ્લાને જ આદિજાતિ બિરસમુંડા ટ્રાયબલ યુનીવર્સીટીની અમૂલ્ય ભેટ મળી છે જે આપણા માટે ગૌરવની બાબત છે. વધુમાં મંત્રી પરમારે નાગરિકોને મૂલ્યવર્ધન તરફ આગળ વધવા પશુપાલનને એક શ્રેષ્ઠ વ્યવસાય ગણાવ્યો હતો.

આ વેળાએ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી બાહુલ આદિજાતિ સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ પહોંચાડવા તથા પાત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આ અભિયાન અંતર્ગત આવરી લઈને આદિજાતિઓના સર્વાંગી વિકાસની સાથે દેશના વિકાસના પાયાને મજબુત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ઉપરાંત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા. ધારાસભ્યશ્રીએ આદિવાસી ક્રાંતિવીરોના સંઘર્ષ અને કાર્યો વિશે માહિતગાર કરીને આદિજાતિ સમુદાયને ભગવાન બિરસા મુંડામાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગરૂડેશ્વર ખાતે દેશનું પ્રથમ ટ્રાયબલ મ્યુઝિયમ થકી દેશની સ્વતંત્રતામાં ભુમિકા ભજવનારા મહાન આદિવાસી ક્રાંતિકારીઓની ગાથાનો પરિચય કરાવી યુવાપેઢી માટે પ્રેરક પ્રદર્શન બનશે. જ્યાં ડિજિટલ દસ્તાવેજી ફિલ્મ નિદર્શન, યોજનાકીય ટૂંકી ફિલ્મો સહિત આઈઇસી પ્રવૃત્તિ દ્વારા નાગરિકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પ્રસંગે પશુ નિદાન કેમ્પ પણ યોજાયો હતો.
નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ લાભ આપી પત્રતા ધરાવતા વંચિત લાભાર્થીઓને આવરી લઈ ૧૦૦ ટકા લક્ષ્યાંકના નિર્ધાર સાથે આધુનિક રથ નર્મદા જિલ્લાના ૨૨૨ ગ્રામ પંચાયતો અને ૫૬૨ ગામોમાં ભ્રમણ કરીને લોકજાગૃતિનો સંદેશ આપશે






