GUJARATJETPURRAJKOT

જન્માષ્ટમીના પર્વે વાડીના વોકળામાં તરછોડાયેલા નવજાત બાળકને બચાવતી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ

તા.૮/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

હૃદયના ઓછા ધબકારા, શરીર પર ચોંટેલ કીડી અને કાળા પડી ગયેલા હાથ પગવાળા બાળકને મળ્યો નવો અવતાર

જન્માષ્ટમીના તહેવારની ઉજવણી દરમ્યાન રાજકોટ જિલ્લાના બેડલા ગામની વાડીમાં નવજાત બાળકને એક માતાએ વાડીના વોકળામાં ફેંકી દેવાની ઘટના સંદર્ભે ૬ સપ્ટેમ્બરના રોજ ભાડલા એમ્બ્યુલન્સ ૧૦૮ની ટીમે આ બાળકને બચાવી નવું જીવન આપ્યું હતું.

ભાડલા ૧૦૮ની ટીમને આ અંગેનો ફોન મળતાં જ ઇમરજન્સી મેડિસન ટેકનિશિયન ગોવિંદભાઈ રોજાસરા તેમજ પાઇલટ કરશનભાઈ ખાંભલા ગણતરીની મિનિટમાં ભાડલા ૧૦૮ના બેડલા ગામના વાડી વિસ્તારમાં સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ ઉપર તપાસ કરતા બાળક વાડીના ઊંડા વોકળામાં બંધ પ્લાસ્ટિકની થેલીમાં ફેંકેલી હાલતમાં જોવા મળ્યું હતું ત્યારે બાળકને ૧૦૮ ની ટીમ દ્વારા વોકળામાંથી તેમજ પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી તપાસ કરતા બાળકના આખા શરીર ઉપર કીડી અને અન્ય જીવ જંતુઓ ચોંટેલા હતા. બાળકના હાથ પગ કાળા પડી ગયા હતા. બાળકના આખા શરીર પર લાલા ચાંભા પડી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા બાળકના હૃદયના ધબકારા ઓછા હતા. બાળક શ્વાસ લઇ શકતું ન હતું. સ્થળ ઉપરથી બાળકને લઇ ચાલીને એમ્બ્યુલન્સ સુધી લઇ ગયા હતા. બાળકને કીડી અને જીવ જંતુ કરડવાથી હાથમા સોજા અને શ્વાસની તકલીફ થઈ હતી.

આથી ૧૦૮ હેડ ઓફીસ અમદાવાદના ERCP ફિઝિસિયન ડૉ. મહેશના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી ઈન્જેકશન Adrenaline, ઓક્સિજન, BVM, CPR આપ્યુ હતું. એમ્બ્યુલન્સ થોડી દૂર ચાલતા બાળકની સ્થિતિ વધારે લથડતા ફરી એકવાર ૧૦૮ હેડ ઓફીસ અમદાવાદ ERCP ફિઝિશીયન ડૉ.સુનિતાના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ ઇમરજન્સી ઈન્જેકશન, BVM અને ઓક્સિજન તથા CPR આપીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

આમ, ફરી એક વખત ૧૦૮ એમ્બ્યુલન્સે નવજાત બાળકનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. જેથી બેડલા ગામના ઉપસરપંચ તથા ગ્રામજનોએ ભાડલા ૧૦૮ ની ટીમને અભિનંદન પાઠવીને ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાને બિરદાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button