
કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભુદેવ પરિવારના સમુહ લગ્ન અને સમુહ યજ્ઞોપવિત નું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં બાર બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી ત્યારે નવ યુગલો એ પ્રભુતામાં પગલાં માડયા હતાં ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ ની બ્રહ્મ ચોર્યાસી મા કેશોદ શહેરમાં વસતાં સૌ ભુદેવોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમૂહ લગ્ન એટલે એક જ સમયે અને એક જ સ્થળે એક કરતાં વધુ યુગલનાં લગ્નનું સામુહિક આયોજન સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું હતું. આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ લગ્ન એ આશિર્વાદ સમાન હોય છે. હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો નું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે,તેમાંથી એક છે,યજ્ઞોપવિત સંસ્કાર કે જેને ઉપનયન સંસ્કાર પણ કહેવાય છે. જનોઈ ત્રણ દોરાવાળું એક સૂત્ર હોય છે. જેને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવીત’ કહેવામાં આવે છે.કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ચાંદીગઢના પાટિયા નજીક આર કે જીનીંગ મીલ પ્લોટમાં સમુહ લગ્ન અને સમુહ યજ્ઞોપવિત સંસ્કાર અને બ્રદ્મચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાજીક અને ધાર્મીક કાર્યમાં ૯ નવદંપતિ એ પ્રભુતમાં પગલાં માંડ્યાં હતાં. જયારે ૧૨ બટુકને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે વર વધુ લગ્ન વીધીમાં મંડપ રોપણ, ગણપતિ સ્થાપન, મામેરા, પીઠી, દાંડિયારાસ, જાન સામૈયા, હસ્ત મેળાપ અને યજ્ઞોપવિત સંસ્કારમાં કાશીયાત્રા, જનોઈ ધારણ કરવા ધાર્મીક વીધીઓ કરવામાં આવી હતી. દાત્તાઓ દ્વારા તમામ દિકરીઓને ભેટ સ્વરૂપે વિશાળ જીવનજરૂરી વસ્તુઓ નો કરિયાવર આપવામાં આવ્યું હતો. પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય ઉતમભાઈ સારસ્વત દ્વારા વિધિ વિધાન મુજબ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી.આ કાર્ય પ્રસંગે બ્રહ્મચોર્યાસી યોજવામાં આવતાં તમામ ભૂદેવ ભાઈઓ બહેનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ પસંગની પૂર્વતૈયારીથી લઈ પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટી મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ, યુવા પાંખ, મહિલા મંડળ, બ્રહ્મ સર્વિસ સોશ્યલ ફોરમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કેશોદ સમસ્ત બ્રહ્મસમાજ ના નિમંત્રણને માન આપી સામાજિક રાજકીય ક્ષેત્રના આગેવાનો અને હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પંચાળાના ભગવાન સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામચરણદાસજી હાજર રહી નવદંપતિ અને યજ્ઞોપવિતમાં જોડાનાર બટુકને આર્શીવર્ચન આપ્યાં હતાં. સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ રાજુભાઇ પંડયાએ વર અને કન્યાપક્ષ, દાત્તાઓ, મહેમાનો, કાર્યકરો સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો. કેશોદના પ્રસિદ્ધ ઉદઘોષક ડૉ ભુપેન્દ્રભાઈ જોષી અને જીતુભાઈ ધોળકિયા એ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કર્યું હતું.
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ










