નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી અંતર્ગત પાલનપુર ખાતે “કોફી વીથ કલેકટર” કાર્યક્રમ યોજાયો


2 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા. ૦૧/૦૮/૨૦૨૩ થી તા. ૦૭/૦૮/૨૦૨૩ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી હાથ ધરાઈ છે.જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી બનાસકાંઠા દ્વારા તા. ૦૨ જી ઓગષ્ટના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” દિનની ઉજવણી નિમિત્તે પાલનપુર ખાતે કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ સાથે “કોફી વીથ કલેકટર” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે UPSC, GPSC તેમજ સરકારી નોકરી માટેની તૈયારી કરતી દીકરીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી તેમના પોતાના આઈ.એ.એસ થવા સુધીના અનુભવો વર્ણવ્યા હતા. કોઈપણ પરીક્ષામાં નિષ્ફળતાએ જીવનનો અંત નથી એમ જણાવી એમણે જીવનમાંથી નેગેટિવિટી છોડી પોઝિટીવીટી અપનાવવા દીકરીઓને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, શુ વાંચવું અને શું ન વાંચવું એ નક્કી કરી જેમાં રસ રુચિ હોય અને જે ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય એ ક્ષેત્રમાં આગળ વધવુ જોઈએ. તમારી પોતાની કેપેસિટી નક્કી કરી અભ્યાસના કલાકો કરતાં કેટલા કલાકોમાં કોઈ વિષયને ગ્રહણ કરી શકવાની ક્ષમતા છે એને આધારે તૈયારી કરવા ની સલાહ આપી હતી. કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોના ખૂબ સરળતાથી જવાબ આપી તેમને પરીક્ષા સાથે જીવનમાં સફળ થવાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે 1 થી 6 માસ સુધીની બાળકીઓને વધામણાં કીટ આપી માતાઓને સન્માનિત કરવામાં આવી હતી. તેમજ જિલ્લા કક્ષાએ મહિલા રમતવીરો, કલાકારો, શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર દિકરીઓનું પણ કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.કોફી વિથ કલેકટર કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ, પાલનપુર પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ દવે, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી સુશ્રી રમિલા બા રાઠોડ, સી.ડી.પી.ઓ સુશ્રી જિજ્ઞાબેન, પાલનપુર પી.આઈ. શ્રી એસ.ડી. ધોબી, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.









