
તા.૩૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Lodhika: ગામેગામ જન જન સુધી સરકારી યોજનાના લાભો મળવા પાત્ર લાભાર્થીઓને સો ટકા મળી રહે તે ઉદ્દેશ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ ચાલી રહી છે. જે અન્વયે લોધીકાના પારડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ ઉપસ્થિત નગરજનોને સંબોધતા જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની અનેક યોજનાઓનો લાભ ગામો ગામ લોકોને સ્થળ પર મળી રહે તે માટે મોદી સરકારની ગેરંટીનો આ વિકાસ રથ આપના આંગણે આવ્યો છે, ત્યારે વિવિધ યોજનાઓના લાભ થકી ઉત્કર્ષ ભારત, વિકસિત ભારતની વિભાવના સાકાર થાય તે માટે આ સરકાર કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ થકી લોકોને આરોગ્યની નિશુલ્ક સુવિધામાં રાજ્ય સરકાર પણ મદદમાં આવી રૂ.૧૦ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે ત્યારે તમામ લોકો આ કાર્ડ કઢાવી જરૂર પડે આરોગ્ય સારવાર કરાવે. આ સાથે સુપોષિત મહિલા અને બાળ વિકાસ યોજનાઓ , ઉજજ્વલા યોજના, વિધવા સહાય યોજના મહિલાઓ માટે ખૂબ જ કલ્યાણકારી છે.

મંત્રીશ્રી એ વધુમાં કહ્યું હતું કે આપણા સમાજમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘટાડવા માટે આપણે દીકરીઓને સૌપ્રથમ સુપોષિત કરવી પડશે. તેઓના શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરવી પડશે, સ્વસ્થ દીકરી સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે અને સ્વસ્થ સમાજનું નિર્માણ શક્ય બનશે. આઇસીડીએસ વિભાગ હેઠળ વિવિધ મહિલા અને બાળ કલ્યાણલક્ષી યોજનાઓ ઉપલબ્ધ છે. ભારતમાતાને રાસાયણિક ખાતરથી બચાવી આ જમીન ફરીથી ફળદ્રુપ બને તે માટે પ્રાકૃતિક ખેતી માટે પણ ખાસ આહવાન કર્યું હતું.

કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ પારડી ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી સહિત વિવિધ જનસેવાના પ્રકલ્પો ઉપલબ્ધ હોઇ જેનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. ડી.એમ.એફ. યોજના થકી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે રૂપિયા ૧૦ લાખ થી વધુ ની રકમનો ચેક આઈસીડીએસ વિભાગને અર્પણ કર્યો હતો. આ તકે સ્થળ પર ઉપલબ્ધ સરકારની ૭૦ થી વધુ વિવિધ યોજનાના લાભો લેવા માટે પણ કલેક્ટરશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની રૂપરેખા પુરી પાડી ગામના લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભ તેમના ઘર સુધી મળી રહે તે આયોજન સાથે સરકારશ્રી દ્વારા આ અભિયાન શરૂ કરાયું હોવાનું જણાવ્યું હતું.
અત્રે મહાનુભાવોનું સ્વાગત કંકુ તિલક કરી ફૂલડે વધવામાં આવ્યા હતા. દીપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિકસિત ભારત યાત્રાના રથને કંકુ તિલક કર્યા હતા અને સર્વે મહાનુભાવોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરાયું હતું. પારડી ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. મહાનુભાવો દ્વારા વિકસિત ભારત યાત્રાના વીડિયોનું નિદર્શન કરાયું હતું. મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ, ગામના પ્રાકૃતિક ખેડૂત દ્વારા પોતાના વક્તવ્યો રજૂ કરી ગ્રામજનોને લાભ લેવા પ્રેરિત કર્યા હતા. તેમજ ‘ધરતી કહે પુકાર’ નૃત્ય નાટિકા પારડી ગામની શાળાની દીકરીઓ દ્વારા રજૂ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે ડી.એમ. એફ અંતર્ગત ગામોના કુપોષિત બાળકોને કીટ વિતરણ, ગામની આંગણવાડીના શ્રેષ્ઠ કાર્યકરોને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું. અન્નપૂર્ણા, ઉજવલા યોજના લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ હતી. પારડી ગામે મંત્રીશ્રી દ્વારા ગાર્બેજ કલેક્શન માટે ગ્રામ પંચાયતને ઇ- રિક્ષાને લીલી – ઝંડી આપી અર્પણ કરાઈ હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યશ્રી લાખભાઈ સાગઠીયા, આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી દેવાહુતી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી અલ્પાબેન તોગડિયા, આરોગ્ય સમિતિના ચરમેનશ્રી લીલાબેન ઠુંમર, આઇ.સી. ડી. એસના પ્રોગ્રામ ઓફિસરશ્રી સવિત્રી નાથજી, જિલ્લા પંચાયતના પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, કારોબારી સમિતિના ચેરમેનશ્રી અંજુબેન પાંભર, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિલાસબેન મોરડ, રથના ઇન્ચાર્જશ્રી મનોજભાઈ રાઠોડ, હોદેદારો, આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો અત્રે ઉપસ્થિત રહ્યા હતા.








