
8-મે
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
થેલેસેમિયાથી બચવા એક માત્ર ઉપાય : લગ્ન પહેલા દરેક નવદંપતિનો થેલેસેમિયા ટેસ્ટ કરાવો
ભારતમાં દર વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત 10 હજારથી વધુ બાળકોના જન્મ થાય છે.
મુન્દ્રામાં 41 સગર્ભા બહેનોના વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા
મુન્દ્રા કચ્છ :- દુનિયાભરમાં 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આનુવંશિક રક્ત સંબંધિત આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ લાવવા થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે આમ છતાં ભારતમાં દર વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત 10 હજારથી વધુ બાળકોના જન્મ થાય છે. થેલેસેમિયાએ વારાસગત બીમારી છે અને પેઢી દર પેઢી આગળ વધે છે. જેમાં થેલેસેમિયા માઇનર એ રોગ નહીં પણ રંગસૂત્રોની વિકૃતિ છે, જ્યારે થેલેસેમિયા મેજર એક જીવલેણ બીમારી છે. જે બાળકને જન્મથી જ લાગુ થાય છે અને જીવનભર મટતી નથી. આનો એક માત્ર ઉપાય છે, લગ્ન પહેલા દરેક નવદંપતિએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જોઈએ.ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને તાલુકા હેલ્થ ઓફીસ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ કેમ્પમાં 91 લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 41 સગર્ભા બહેનોના થેલેસેમિયા ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાન અને રેડક્રોસ સોસાયટી કચ્છના થેલેસેમિયા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર મીરાબેન સાવલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કેમ્પમાં કેન્દ્રના અધિક્ષક ડો. મંથન ફફલ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ભાર્ગવ મોડ, તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયા, રમાબેન મહેશ્વરી, ફિમેલ સુપરવાઈઝર મંજુલાબેન મેઘાણી, જ્યોતિબેન ગઢવી, પ્રકાશ ઠકકર, ગીરીશ પટેલ, પ્રકાશ ગોહિલ, જીગ્નેશ પંચાલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મુન્દ્રા શાખાના ચેરમેન સચિન ગણાત્રા, રફીક તુર્ક, લલિત સોની વિગેરેએ સેવા આપી હતી. જ્યારે લેબોરેટરી ટેકનેશિયન શોભનાબેન પરમાર અને વંદનાબેન બોદરએ સેમ્પલ કલેક્ટ કર્યા હતા.સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. ભાર્ગવે થેલેસેમિયા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે તેના માઇનોર અને મેજર એમ બે પ્રકાર છે પતિ અને પત્ની બંનેને થેલેસેમિયા માઇનોર હોય તો તેનો બાળક થેલેસેમિયા મેજર જન્મે એની શક્યતા ખૂબ જ વધી જાય છે. આ બાળક જન્મે ત્યારે એકદમ સ્વસ્થ અને નોર્મલ જ હોય છે પરંતુ એકાદ બે મહિના પછી માતાના ગર્ભમાંથી જે લોહી મળ્યું હોય તે પુરવઠો ખલાસ થઈ જતા બાળક નબળું પડવા લાગે છે અને એનો વિકાસ અટકી જાય છે. થેલેસેમિયા ભોગ બનેલ બાળકને મહિનામાં બે વાર લોહી ચડાવવું પડે છે અને મોંઘા ભાવના ઇન્જેક્શનનો લેવા પડે છે જેનો મહિને અંદાજિત 5000 જેટલો ખર્ચ થઈ જતો હોય છે આ બધું કરવા છતાં બાળકનું આયુષ્ય 15 થી 20 વર્ષ જેટલું જ મર્યાદિત હોય છે. પોતાનું બાળક લાંબુ નહીં જીવે એ જાણવા છતાં મન મજબૂત રાખીને પોતાના વહાલસોયા બાળકની સેવા – સારવાર કરનાર માતા – પિતા અને સમગ્ર પરિવાર આર્થિક, માનસિક અને સામાજિક રીતે ભાંગી પડે છે. આનો એકમાત્ર ઉપાય જો લગ્ન પહેલા જ નવદંપતીની થેલેસેમિયા તપાસ કરવામાં આવે તો થેલેસેમિયા મેજર સાથે જન્મતા બાળકને રોકી શકાય છે. વિશ્વના 60 દેશોમાં આ ભયાનક આનુવંશિક રોગ જોવા મળે છે માતા-પિતાની અજ્ઞાનતા અને જાગૃતિના અભાવે દર વર્ષે એકલા ભારતમાં જ થેલેસેમિયા સાથે 10 હજારથી વધુ બાળકો જન્મ લે છે. આ કોઈ ચેપી રોગ નથી આમ છતાં તમામ ધર્મ અને જાતિના લોકોમાં જોવા મળે છે. ડીઝીટલ યુગમાં વધુમાં વધુ લોકો થેલેસેમિયા અંગે જાગૃત થાય એ માટે વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હોવાની માહિતી મુન્દ્રા રેડક્રોસ સોસાયટીના ચેરમેન સચિન ગણાત્રા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે સગાઈ પહેલાં જ યુવક અને યુવતીનું એક વખત થેલેસેમિયાને ટેસ્ટ ફરજીયાત કરાવવામાં આવે અને તપાસ કેમ્પો માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે એવી અપીલ કરતા હરિભાઈ જાટીયાએ કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ સૌનો આભાર માન્યો હતો. કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓને શ્રીજી ફોનઝોનના કવિતાબેન સચિન ગણાત્રા તરફથી ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે થેલેસેમિયા મેજરવાળા બાળકને રમકડાં સહિત કિટબેગ આપવામાં આવી હતી.








