
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ.
પરિણામો પોતે જ બોલે છે, કે તેના પાછળ કેટલી મહેનત કરાઈ છે!
અદાણી ફાઉન્ડેશન સંચાલિત શૈક્ષણિક પ્રોજેક્ટ ઉત્થાને કમાલ કરી બતાવી છે. તાજેતરમાં ધોરણ 10 બોર્ડના પરિણામોમાં ઉત્થાન હેઠળ ચાલતી ચાર શાળાઓએ 100% પરિણામો હાંસલ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જ્યારે એક શાળાનું 99.09 અને 3 શાળાઓનું 85% થી વધુ પરિણામ મળ્યું છે. જેમાં અઘરા વિષયો ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના પરિણામોમાં પણ સુધારો જોવા મળ્યો છે. વિગત વર્ષોની સરખામણીમાં SSC પરિણામોમાં 20-40% સુધારો નોંધાયો છે, જે ઉત્થાન પ્રોજેક્ટની અસરકારકતાનો પુરાવો છે.
ઉત્થાનની દરેક શાળાએ તાલુકાની અન્ય સરકારી શાળાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને, નવીનાળ હાઈસ્કૂલ, ધ્રબ હાઈસ્કૂલ, મોટી ખાખર હાઈસ્કૂલ, અને દેશલપર હાઈસ્કૂલે સંપૂર્ણ 100% પરિણામ હાંસલ કરી એક બેન્ચમાર્ક બનાવ્યો છે. જ્યારે ઝરપરા હાઈસ્કૂલે 99.09%, કાંડાગરા હાઈસ્કૂલે 92.30%, ભુજપુર હાઈસ્કૂલે 86.36%, અને નાની ખાખર હાઈસ્કૂલે 85.71% પરિણામ સાથે SSC બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે.
અદાણી ફાઉન્ડેશન ગુજરાતનાં સી.એસ.આર હેડ એ જણાવે છે કે “માત્ર 2 જ વર્ષમાં ઉત્થાન હાઇસ્કૂલનું આટલું ઉત્કૃષ્ટ પરિણામ અદાણી ફાઉન્ડેશન માટે ગૌરવની વાત છે. ભવિષ્યમાં વધુ હાઇસ્કૂલ્સમાં ઉત્થાન કાર્યરત થાય તે માટે ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે.”
ઉત્થાન દ્વારા આચાર્યના માર્ગદર્શન અને શિક્ષકોના સહયોગથી ગણિત, વિજ્ઞાન માટે એક ઉત્થાન સહાયક અને અંગ્રેજી માટે એક ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી છે. જેનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. ઉત્થાન સહાયકો વિદ્યાર્થીઓની અભ્યાસ ક્ષમતાઓની સાથે આત્મવિશ્વાસને વિકસાવવાનું કામ પણ કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રિય વિદ્યાર્થીઓને રેગ્યુલર કરવા, ડ્રોપઆઉટ દર ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા વધારવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રોજેક્ટ ઉત્થાનનો એક ભાગ અદાણી ઇવનિંગ એજ્યુકેશન સેન્ટર્સ (AEEC) વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
2018-19માં શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ ઉત્થાનનો હેતુ પાયાના સ્તરે શિક્ષણના પરિણામો વધારી બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ક્ચ્છની 69 પ્રાથમિક શાળાઓ અને 16 હાઇસ્કૂલ 13000 જેટલા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ રહ્યા છે. 2022થી બોર્ડના પરિણામોમાં તેનું પ્રદર્શનનો ગ્રાફ સતત ઉપર થતો રહ્યો છે. બાળકો માટે કરિયર ગાયડન્સ, કોમયુટર ક્લાસીસ, લાઈબ્રેરી પ્રવૃતિઓ, સ્પોર્ટ્સ કીટ અને વેકેશનમાં સમર કેમ્પનું પ્લાનિંગ કરવામાં આવે છે. જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.









