
૧૪ – એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
ઇનોવેશન ક્લબ અંતર્ગત કચ્છમાં પ્રથમ વખત વિદ્યાર્થીઓને ડિજિટલ સાધનો મારફતે “ડુ ઈટ યોર સેલ્ફ”ની તાલીમ આપવામાં આવી.
સ્મોલ પ્રોજેક્ટ તૈયાર કરનાર તાલીમાર્થીઓને અપાશે બે લાખ સુધીની ગ્રાન્ટ.
નવી શિક્ષણનીતિ અંતર્ગત દરેક વિદ્યાશાખાનો વિદ્યાર્થી સમાજ ઉત્થાન માટેના સંશોધનમાં રસ લેતો થાય તે માટે કટિબદ્ધ છે ગુજરાત સરકાર.
મુન્દ્રા કચ્છ :- ઇનોવેશન દ્વારા પરિવર્તન એ આજના યુગનો નિયમ છે અને પરિવર્તનથી જ ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થાય છે. આવા જ નવ પરિવર્તનના આગ્રહી અને દીર્ઘદ્રષ્ટા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ન્યૂ ઇન્ડિયા તરફની એક નવી પહેલ એટલે ઇનોવેશન કલબ.ઇનોવેશન અને નવસર્જનના વિચારને સાર્થક કરવા ગુજરાતની 500 જેટલી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઇનોવેશન ક્લબ શરૂ કરવામાં આવી છે. જેમાં સાયન્સ, કોમર્સ અને આર્ટસની ક્ષેત્ર મર્યાદાઓને દૂર કરીને નવી શિક્ષણનીતિ અંતર્ગત દરેક વિદ્યાશાખાનો વિદ્યાર્થી સમાજ ઉત્થાન માટેના સંશોધનમાં રસ લેતો થાય તે માટે કટિબદ્ધ ગુજરાત સરકાર દ્વારા અમૃત નવસર્જન ઇનોવેશન પ્લોટ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તાજેતરમાં મુન્દ્રાની એસ.ડી. શેઠિયા બી.એડ. કોલેજ ખાતે પ્રિન્સિપાલ ડો. એલ.વી. ફફલ અને ઇનોવેશન કો-ઓર્ડીનેટર પ્રોફેસર ડો.દિનેશભાઈ આર. પટેલના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ચાર દિવસીય પ્રબોધ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી આવેલ સ્ટેટ ઇનોવેશન કલબના મુખ્ય તજજ્ઞ ટ્રેનર ગોરધનભાઇ ચૌહાણ અને તેમના સાથી વિજયભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ ન મેળવતા આધુનિક પ્રાયોગિક કાર્યો કરી વિશ્વના ડિજિટલ પ્લેટફોર્મ પર કદમ મિલાવી શકે તે માટે સરકારના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પ્રોગ્રામ અંતર્ગત ડુ ઈટ યોર સેલ્ફની 10 કીટ જેમાં ડિજિટલ – ડ્રોન, પેન, પૃથ્વીનો ગોળો, માઈક્રોસ્કોપ, ટેલિસ્કોપ, બેઝિક અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક કીટ, એગ્રીકલચર ટેકનોલોજી કીટ, મિકેનિકલ કીટ, એડવાન્સ સાયન્સ કીટ જેવા સ્માર્ટ ડીવાઇસીઝનો ઉપયોગ કરીને ડીઝીટલ જ્ઞાનની તાલીમ આપવામાં આવી હતી.આવનાર સમય વધુ સ્માર્ટ હશે અને તેના માટે શીખવનાર પાસે વિશેષ કૌશલ્ય હોવું જરૂરી બની રહેશે એવી શીખ ભાવિશિક્ષકોને સમાપન સત્રમાં પ્રિન્સિપાલ ડો. ફફલ દ્વારા આપવાની સાથે તાલીમાર્થીઓ ભવિષ્યમાં આવા ઉમદા વિચારોને હાઇસ્કુલ અને પ્રાથમિક કક્ષાએ આગળ ધપાવશે એવી આશા વ્યક્ત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની દરેક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાની રીતે રોજગારી ઉભી કરી શકે એવા ઉમદા હેતુથી ડ્રોન સહિતના વિવિધ આધુનિક ટેકનોલોજી યુક્ત કિંમતી અને અગત્યના સાધનોથી સજ્જ ડી.આઇ.વાય. (ડુ ઇટ યોર સેલ્ફ)ની 10 કીટ ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી કોલેજને આપવામાં આવી હોવાની માહિતી આપતા ડો. પટેલે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થી સમાજ ઉત્થાન માટેના સંશોધનમાં રસ લેતો થાય તે બાબતને નવી શિક્ષણનીતિ 2020માં કેન્દ્ર સ્થાને મૂકવામાં આવી છે ત્યારે નોન ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ દ્વારા પોતાનામાં રહેલી સર્જનાત્મક અને રચનાત્મક શક્તિઓનો ઉપયોગ કરીને પોતાની જાતે બિઝનેસ શરૂ કરી આધુનિક ભારત નિર્માણમાં પોતાનું યોગદાન આપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરીને સ્વરોજગારીની દિશામાં આગળ વધે એવા ઉમદા હેતુ સાથે સ્મોલ પ્રોજેક્ટ તૈયાર કરનાર તાલીમાર્થીઓને બે લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવશે એવી માહિતી આપી હતી.સમાપન સત્રમાં કોલેજના તાલીમાર્થીઓ વૃત્તિબેન વાસાણી, કેવલભાઈ રાઠોડ તથા ધ્રુતીબેન મોઘાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન વૈદેહીબેન સોરઠીયા અને આભારવિધિ ચેતનભાઇ મહેશ્વરીએ કરી હતી.