
રીપોર્ટ : બિમલ માંકડ – પ્રતીક જોશી
રાપર : નાના રણના ઘુડખર અભ્યારણમાં ગેરકાયદેસર મીઠાના પ્લોટમાં કબ્જા બાબતે થયેલ સશસ્ત્ર ધીંગાણામાં થયેલ ફાયરીંગમાં ઘાયલ યુવકે રાજકોટની હોસ્પિટલમાં દમ તોડતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો છે. મૃતક દિનેશ કોલી (ઉ.વ.૩૩) ને માથામાં ગોળી વાગતા સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેણે સારવાર દરમ્યાન આજરોજ આંખો મીંચી હતી. દિનેશનું મૃત્યું થતા પોલીસે દાખલ કરેલી ફરિયાદમાં ૧૭ શખ્સો વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે કચ્છના નાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણમાં હજારો એકર જમીનો પર રાજકારણીઓ અને મીઠા ઉદ્યોગકારોના ઈશારે ગુંડા તત્ત્વો દ્વારા દબાણ કરી ગેરકાયદેસર મીઠાના અગરો ખડકી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર અગરોના કબ્જાને લઈ ભૂતકાળમાં અનેકવાર લોહિયાળ ધીંગાણા સર્જાઈ ચુક્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ઉપરથી જાણે આ ગુંડા તત્ત્વોને કમાઉ દિકરા ગણી પોલીસ અને વનતંત્ર છાવરતા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જો જવાબદાર તંત્રોએ આ ગંભીર મુદ્દાને લઈ સમયસર યોગ્ય પગલાં ભર્યા હોત તો કદાચ ગોળીબારનો આવો ગંભીર બનાવ ન બન્યો હત અને દિનેશને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હત.







